સોરઠના રાજકારણમાં સખળ ડખળ, પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ટેકેદારો ‘આપ’માં
જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ટેકેદારો AAP માં જોડાયા છે. માણાવદરમાં ગોપાલ ઈટાલિયા અને હેમંત ખવાની સભામાં બંને ધારાસભ્યોએ સરપંચો-આગેવાનોને ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. ટેકેદારો આપમાં જોડાતા હવે જવાહર ચાવડા અને ગોપાલ ઈટાલિયાના રાજકીય સંબંધો અંગે ચર્ચા શરૂૂ થઈ છે અને અટકળોનો માહોલ પણ ગરમાયો છે.
જૂનાગઢ જિલ્લાના રાજકારણમાંથી મોટા સમાચાર આવ્યા છે. માણાવદરમાં ગુજરાત જોડો અભિયાન અંતર્ગત વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને હેમંત ખવાની સભા યોજાઈ હતી. આ સભામાં પૂર્વ મંત્રી જવાહર ચાવડાના કેટલાક ટેકેદારો AAP માં જોડાયા હતા. બંને ધારાસભ્યોએ અનેક સરપંચો-આગેવાનોને ખેસ પહેરાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી જવાહર ચાવડા ભાજપથી નારાજ હોવાની વાતો સામે આવી છે. ત્યારે હવે જવાહર ચાવડાના ટેકેદારો ભાજપમાં જોડાતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે.
માહિતી અનુસાર, જવાહર ચાવડા અને ગોપાલ ઈટાલિયાના રાજકીય સંબંધો અંગે ચર્ચાઓ પણ વેગવંતી થઈ છે. ગોપાલ ઇટાલિયાની જીત પાછળ જવાહર ચાવડા મુખ્ય ચહેરો હોવાની પણ ચર્ચા છે. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, જનતા એક નવા વિકલ્પની શોધમાં હતી. આખા ગુજરાતમાં વિસાવદર વાળી થવાની છે. ભાજપ હાર્દિક પટેલને ગોપાલ ઈટાલિયા સામે તૈયાર કરે છે તે વાત અંગે ગોપાલ ઈટાલિયાએ તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ભાજપ બે મોઢાની વાતો કરે છે. ચર્ચા પર કોઈ ટેક્સ નથી.
ઉપરાંત, જ્યારે પૂર્વ મંત્રી જવાહર ચાવડા AAP નો ખેસ ધારણ કરશે કે નહીં તેના જવાબમાં ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, હું એ બાબતે હાલ કઈ પણ કહી શકીશ નહીં. હું અડકો-દડકો ગણી ધારાસભ્ય નથી બન્યો. આ સાથે તેમણે અનેક મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા હતા. જણાવી દઈએ કે, જૂનાગઢ જિલ્લા પંચાયત ભાજપના સભ્ય રીનાબેનનાં સસરા જીવાભાઈ મારડિયા અને તેમની ટીમ પણ AAP માં જોડાઈ છે.