રાજકોટ પાસેથી 56.43 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
ઘંટેશ્ર્વર પાસે રહેતાં ડ્રાઈવરની ધરપકડ, 71.63 લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટ અમદાવાદ હાઈવે પર ક્રિષ્ના વોટર પાર્ક પાસે ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી 56.43 લાખના દારૂ ભરેલા ટ્રક સાથે ઘંટેશ્વર પાસે રહેતા મુળ રાજસ્થાનના સખ્સની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાંચે ટ્રક અને દારૂ સહિત 71.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડામાં ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો. તેમજ આ મામલે આલોક નામના શખ્સનું નામ ખુલ્યું છે.
મળતી વિગતો મુજબ, રાજકોટમાં દારૂ ભરેલો ટ્રક આવવાનો હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચના એએસઆઈ અમીતભાઈ અગ્રાવત, રાજેશભાઈ જડુ, દીપકભાઈ ચૌહાણ અને વિશાલભાઈ દવેને મળી હોય જેના આધારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર ક્રિષ્ના પાર્ક પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન રાજકોટ પાર્સિંગનો જીજે.3.બી.વાય.3615 નંબરનો ટ્રક શંકાસ્પદ હાલતમાં નિકળતાં તેને અટકાવવામાં આવ્યો હતો. આ ટ્રકમાં વેસ્ટેજ ટાયરની આડમાં છુપાવેલ 18288 બોટલ વિદેશી દારૂ એટલે કે 381 પેટી દારૂ મળી આવ્યો હતો. 56.33 લાખની કિંમતનો વિદેશી ભરેલો ટ્રક લઈને આવેલા રાજકોટના ઘંટેશ્ર્વર પાસે તિરૂપતિ હાઈટસ ફલેટ નં.801માં રહેતાં મુળ ઉત્તરપ્રદેશનાં જોનપુર જિલ્લાના ઉંમરપુર એરિયાના વતની વિશાલ સિંગ સુનિલ સિંગ રાજપુતની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચે ટ્રક સહિત 71.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડામાં ઘંટેશ્વર રહેતો ટ્રકનો ચાલક રંગલી રાજકુમાર રાય ફરાર થઈ ગયો હતો. પુછપરછમાં દારૂ સપ્લાય અંગે આલોક નામના શખ્સનું નામ ખુલ્યું છે. પકડાયેલ વિશાલ અગાઉ નડિયાદ પોલીસ મથકમાં પણ દારૂના ગુનામાં ઝડપાઈ ચુકયો છે.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી.બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ સાથે પીએસઆઈ વી.ડી.ડોડીયા અને તેમની ટીમનાં દિગ્પાલસિંહ જાડેજા, સંજયભાઈ રૂપાપરા, દિલીપભાઈ બોરીચા, પ્રદીપસિંહ જાડેજા, જયરાજભાઈ કોટીલા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.