TRP અગ્નિકાંડ: પૂર્વ ટીપીઓ સાગઠિયાની જામીન અરજી મંજૂર કરતી સુપ્રીમ કોર્ટ
સેશન્સ અને હાઇકોર્ટે જામીન અરજી રદ કરતા ટી.પી.ઓ. સાગઠિયાએ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી’તી
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા રાજકોટ મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની જામીન અરજી સેશન્સ અને હાઇકોર્ટે નામંજુર કરતા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે ચાલી જતા સુપ્રીમ કોર્ટ દ્વારા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની જામીન અરજી મંજુર કરવામાં આવી છે. પરંતુ અપ્રમાણસર મિલ્કત અને ડુપ્લીકેટ મિનિટ્સ બુક બનાવવાના કેસમાં સાગઠિયાને હજુ જેલમાં રહેવું પડશે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવેલી એસ.આઇ.ટી.ની તપાસમાં આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી, બાંધકામ સહિતની અનેક બાબતોમાં મહાપાલિકા સહિતના તંત્રો દ્વારા ગેમઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું. તેથી ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા અધિકારીઓ સહિતના ધવલ ભરતભાઈ ઠક્કર, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઈ રાઠોડ, નીતિન મહાવીરપ્રસાદ લોઢા, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, મહેશ અમૃતભાઈ રાઠોડ, મનસુખ ધનજીભાઈ સાગઠીયા, ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજીભાઈ મકવાણા, જયદિપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા, રોહિત અસમલભાઈ વિગોરા, ભીખાભાઈ જીવાભાઈ થીબા, ઈલેશ વલભભાઈ ખેર શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.
દરમિયાન આ કેસમાં ચાર્જશીટ થયા બાદ રાજકોટ મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાએ સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજી નામંજૂર થતાં ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી. જે જામીન અરજી હાઇકોર્ટ દ્વારા રદ કરવામાં આવતા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાએ જામીન મુક્ત થવા પોતાના વકીલ મારફત સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.
જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા વિવિધ ચુકાદાઓ ધ્યાને લઇ સુપ્રીમ કોર્ટ દ્વારા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે. પરંતુ અપ્રમાણસર મિલ્કત અને ડુપ્લીકેટ મિનિટ્સ બુક બનાવવાના કેસમાં સાગઠિયાને હજુ જેલમાં રહેવું પડશે.
સાગઠિયાએ હજુ બે ગુનામાં જેલવાસ ભોગવવો પડશે
ચકચારી ટીઆરપી અગ્નિકાંડ કેસમાં સંડોવાયેલા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન અરજી મંજુર કરવામાં આવી છે. પરંતુ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયા વિરુધ્ધ અપ્રમાણસર મિલ્કત અંગે એન્ટી કરપ્શન બ્યુરોમાં તેમજ ડુપ્લીકેટ મિનિટ્સ બુક બનાવવા બદલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ છે જે કેસમાં હજુ જામીન મળેલ ન હોવાથી તેને હજુ પણ જેલવાસ ભોગવવો પડશે.
સાગઠિયા સામે હજુ ઇડીની મુશ્કેલી
ટીઆરપી અગ્નિકાંડ કેસમાં સંડોવાયેલા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે વધુ એક ફરિયાદ માટે ઇડી દ્વારા મંજૂરી માંગવામાં આવી હતી જે રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઠરાવ કરી મંજૂરી આપવામાં આવેલ છે જેમાં પણ આગામી દિવસોમાં પુરાવા એકત્રિત કરી ઊઉ દ્વારા ફેલિયડ નોંધવામાં આવે તો તેમની મુશ્કેલીમાં વધારો થઇ શકે તેમ છે.