સાવરકુંડલામાં ધર્મ, સંસ્કૃતિ અને સેવાનો ત્રિવેણી સંગમ : 865 અંગદાન સંકલ્પપત્રો ભરાયા
સાવરકુંડલા શહેરમાં કે. કે. હાઈસ્કૂલ પાસે, નદી પટાંગણમાં આવેલા તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે ધર્મ, સંસ્કૃતિ અને માનવસેવાના સુંદર સમન્વય સાથે ખૂબ જ ભવ્ય અને દિવ્ય તુલસી વિવાહ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.
સાંજના 6:30 કલાકે તુલસી વિવાહના શુભ મુહૂર્ત સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો પ્રારંભ થયો હતો. કાર્યક્રમની શરૂૂઆત ભજન-કિર્તન, ભક્તિ ગીતો અને લોકસાહિત્યની વાતોથી ભરપૂર લોક ડાયરાથી કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત તમામ ભાવિકો મંત્રમુગ્ધ થયા હતા.
આ ધાર્મિક પ્રસંગે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા દ્વારા મેહુલભાઈ વ્યાસના સહયોગથી મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં નગરજનોએ રક્તદાન કર્યું હતું. આ ઉપરાંત, જીવનને પ્રજ્વલિત રાખવા માટેના મહાદાન સ્વરૂૂપ ચક્ષુદાન, દેહદાન અને અંગદાન સંકલ્પ પત્રો ભરવાની વ્યવસ્થા પણ સ્થળ પર કરવામાં આવી હતી. આ અવિસ્મરણીય પ્રસંગે રેકોર્ડ બ્રેક 865 જેટલા સંકલ્પ પત્રો ભરાયા હતા, જે સાવરકુંડલા શહેરની સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે.
વિવાહના આનંદ અને ઉત્સાહ સાથે, મસા પીર બાપુ, મોમાઈ માતાજી મંદિર નાના ઝીંઝુડા તરફથી સમગ્ર સાવરકુંડલા શહેરને ધુમાડાબંધ ભોજન (મહાપ્રસાદ) નિમંત્રણ પાઠવવામાં આવેલ. સાંજે 7:30 કલાકે શરૂૂ થયેલા આ મહાપ્રસાદમાં અંદાજે 35,000 જેટલા ભાવિકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યું હતું. શહેરના ઈતિહાસમાં આટલી વિશાળ સંખ્યામાં ભાવિકોએ એક જ પ્રસંગે મહાપ્રસાદ ગ્રહણ કર્યો હોય તેવો આ કદાચ પ્રથમ પ્રસંગ છે, જે ખરેખર નોંધનીય ઘટના છે. ભોજન પ્રસાદની સેવામાં મુરલીધર કેટરર્સના ઘનશ્યામભાઈ લાંબડીયા અને તેમની ટીમે સતત ખડે પગે સેવા આપી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય અને સૌથી મહત્વનો પ્રસંગ માતા તુલસીજી અને ઠાકોરજી (શાલિગ્રામ)ના દિવ્ય વિવાહની માંગલિક વિધિ રાત્રે 8:00 કલાકે સંપન્ન થઈ હતી. ઢોલ અને શરણાઈના સૂર તેમજ લગ્ન ગીતોની રમઝટ સાથે જાનૈયા અને માંડવિયાની ઉપસ્થિતિમાં આ વિધિ પૂર્ણ શ્રદ્ધા અને આસ્થા સાથે સંપન્ન થઈ હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોપી મહિલા મંડળ તેમજ સમસ્ત કેવડા પરા વિસ્તારના ભાવિકો તેમજ અન્ય મંડળોના સ્વયંસેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. અંતમાં, ગોપી મહિલા મંડળ તેમજ શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ પરિવારે ભોજન પ્રસાદના દાતા મસાપીર બાપુ, સેવા આપનાર તમામ સ્વયંસેવકો, પધારેલ મહેમાનો અને સમગ્ર નગરજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો
