માળિયા પાસે ત્રિપલ અકસ્માત: ઉર્ષમાં જતા સગીર સહિત 3ના મોત
રિક્ષા, કાર અને બુલેટ વચ્ચે ટક્કર થતાં ઘટી ઘટના: બેને ઇજા, કાજરડાથી ઝીંઝુડા જતી વખતે સર્જાયો અકસ્માત
રાજ્યભરમાં અકસ્માતોની ઘટના દિનબ દિન વધી રહી છે. ત્યારે વધુ એક કરૂણાંતિકા સર્જતી ઘટના સામે આવી છે. જેમાં માળિયા-મિયાણાના દહીંસરા અને વર્ષામેડી ગામ વચ્ચે રિક્ષા બાઇક અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે ત્રિપલ અકસ્માતમાં કાજરડા ગામથી ઝીંઝુડા ગામે ઉર્ષમાં હાજરી આપવા જતાં બાઇક સવાર સગીર સહિત ત્રણ મિત્રોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જયારે અન્ય બે લોકોને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દીવાળીના તહેવાર ટાણે જ કાજરડા ગામમાંથી એક સાથે ત્રણ અર્થી ઉઠતા કરૂણ કલ્પાંત સર્જાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માળિયા-મિયાણાના કારજડા ગામે રહેતા રહીમ અવેશભાઇ સંઘવાણી (ઉ.વ.15), સમીર રહેમનભાઇ મુસાણી અને ઇમરાનશા સમીરશા સહમદાર પોતાનુ બાઇક લઇ કારજડા ગામેથી ઝીંઝૂડા ગામે જઇ રહયા હતા ત્યારે મોટા દહીંસરા અને વર્ષામેડી ગામે વચ્ચે પહોંચતા બાઇક, બુલેટ અને રિક્ષા વચ્ચે ટક્કર થઇ હતી.
ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રહીમ સંઘવાણી, સમીર મુસાણી અને ઇમરાનશા સહમદારને સારવાર મળે તે પૂર્વ જ ઘટના સ્થળે કમકમાટી ભયા મોત નીપજ્યા હતા. જયારે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અબ્દુલભાઇ અબાશભાઇ કાજડીયા (ઉ.વ.30) સહિત બે લોકને ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આ ઘટના અંગે માળિયા-મિયાણા પોલીસને જાણ કરવામાં આવતા. માળિયા-મિયાણા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી અને ત્રણેય મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક પૂછપછરમાં મૃતક રહીમ સંઘવાણી બે ભાઇ પાંચ બહેનમાં વચેટ હતો અને અભ્યાસ કરતો હતો. રહીમ સંઘવાણીના પિતા મજૂરી કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. રહીમ સંઘવાણી અને તેના મિત્રો ઝીંઝૂડા ખાતે યોજાયેલા ઉર્ષમાં હાજરી આપવા માટે જઇ રહ્યા હતા. ત્યારે મોટા દહીંસરા અને વર્ષામેડી ગામે વચ્ચે પહોંચતા બાઇક, બુલેટ અને રિક્ષા વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં સગીર સહિત ત્રણ મિત્રોના મોત નીપજ્યા હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે માળિયા-મિયાણા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
