માધવપુરમાં સેનાની ત્રણેય પાંખ દ્વારા ત્રિશૂળ કવાયત યોજાઇ
પોરબંદરમાં માધવપુના દરિયાકાંઠે ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખો - ભારતીય નૌસેના, ભારતીય થલસેના અને ભારતીય વાયુસેના દ્વારા શરૂૂઆતમાં સંયુક્ત રીતે ટ્રાઇ-સર્વિસીસ કવાયત (TSE-2025) - ત્રિશૂળનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતમાં ભારતીય નૌસેનાએ મુખ્ય સેવા તરીકેનું નેતૃત્વ કર્યું હતું. TSE-2025નું નેતૃત્વ ભારતીય નૌસેનાના પશ્ચિમી નેવલ કમાન્ડ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય થલસેનાના સધર્ન કમાન્ડ અને ભારતીય વાયુસેનાના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ મુખ્ય સહભાગી રચનાઓ તરીકે જોડાયા હતા.
આ કવાયત રાજસ્થાન અને ગુજરાતના ક્રીક (ખાડી) અને રણ પ્રદેશોની સાથે ઉત્તર અરબી સમુદ્રમાં મલ્ટીલેવલ ઓપરેશન્સ સહિતના દરિયાઈ ક્ષેત્રમાં મોટા પાયે આયોજિત કરવામાં આવી હતી. આમાં ભારતીય કોસ્ટ ગાર્ડ, સીમા સુરક્ષા દળ (BSF) અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ પણ સામેલ થઈ હતી, જેણે આંતર-એજન્સી સંકલન અને સંકલિત ઓપરેશન્સને મજબૂત બનાવ્યું હતું. આ કવાયતનું મુખ્ય કેન્દ્રબિંદુ સશસ્ત્ર દળો વચ્ચેની તાલમેલ વધારવા, તેમજ ત્રણેય સેવાઓમાં બહુ-ક્ષેત્રીય સંકલિત ઓપરેશનલ પ્રક્રિયાઓને માન્ય કરવા અને સુમેળ સાધવા પર હતું. આનાથી સંયુક્ત અસર-આધારિત ઓપરેશન્સ શક્ય બન્યા.
મુખ્ય ઉદ્દેશ્યોમાં પ્લેટફોર્મ્સ અને માળખાકીય સુવિધાઓની આંતર-કાર્યક્ષમતા વધારવા, સેવાઓમાં નેટવર્કના એકીકરણને મજબૂત કરવા અને ઓપરેશન્સમાં સંયુક્તતાને આગળ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કવાયતમાં સંયુક્ત ગુપ્તચર, દેખરેખ અને જાસૂસી પ્રક્રિયાઓ, ઈલેક્ટ્રોનિક વોરફેર (EW) અને સાયબર વોરફેયર યોજનાઓને પણ માન્ય કરવામાં આવી હતી. ટ્રાઇ-સર્વિસીસ કવાયત-2025 ના સફળ આયોજને ભારતીય સશસ્ત્ર દળોના સંપૂર્ણપણે સંકલિત રીતે કાર્ય કરવાના સામૂહિક સંકલ્પને રેખાંકિત કર્યો છે, જેનાથી સંયુક્ત ઓપરેશનલ સજ્જતા અને રાષ્ટ્રીય સુરક્ષાની તૈયારીમાં વધારો થયો છે.