ચોટીલા ખાતે ભારત છોડો આંદોલનની જયંતિ નિમિત્તે તિરંગા યાત્રા યોજાઇ
વિવિધ શાળાઓના 1000 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા: 100 ફૂટના બે રાષ્ટ્રધ્વજે વિશેષ આકર્ષણ જમાવ્યું
1942ના ઐતિહાસિક ભારત છોડો આંદોલનની 83મી જંયતી અવસરે તથા હર ઘર તિરંગા અને નારી વંદન ઉત્સવ અંતર્ગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા (જિ. સુરેન્દ્રનગર) ખાતે ભારત ગૌરવ યાત્રા તિરંગા યાત્રાનુ ભવ્ય આયોજન ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ તથા મદદનીશ ગ્રંથાલય નિયામકની કચેરી (રાજકોટ) દ્વારા આ પ્રેરક આયોજન કરાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો.
ચોટીલા નાયબ કલેકટર એચ. ટી. મકવાણા (જીએએસ), ચોટીલા નગરપાલિકા પ્રમુખ અલકાબેન મુકેશભાઈ શાહ, ચામુંડા ડુંગર મહંત પરિવારના જગદીશગીરીબાપુ ગોસાઈ, યાત્રાના આયોજકો : ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી તથા શિક્ષણવિદ્ અને ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા), અગ્રણી મુકેશભાઈ શાહ, વડોદરા મધ્યવર્તી ગ્રંથાલયના રાજ્ય ગ્રંથપાલ (વર્ગ 1) અને મદદનીશ ગ્રંથાલય નિયામક (રાજકોટ) લલિતભાઈ મોઢ, ચોટીલા મામલતદાર પી. બી. જોષી, ચોટીલા પોલીસ ઈન્સપેકટર આર. એમ. સંગાડા, શિક્ષણ જગતમાંથી મહિપતસિંહ વાઘેલા અને ઉગ્રસેનસિંહ ગોહિલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સામતભાઈ રંગપરા, વિનયભાઈ ચાવડા અને અજિતસિંહ ચૌહાણ, વિશ્વ હિંદુ પરિષદના ભરતસિંહ ડાભી, પ્રતાપસિંહ ગોહિલ અને ભરતસિંહ પરમાર, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલય (ચોટીલા)ના મદદનીશ ગ્રંથપાલ સોનલબેન જોષી, રિંકલબેન કચ્છી અને અનિશભાઈ લાલાણી, ચોટીલા તાલુકા આરોગ્ય કચેરીના મેડિકલ ઓફિસર ડો. રોહિતભાઈ ડામોર, મિસ્ત્રી જયસુખભાઈ પરમાર, કોન્ટ્રાકટર ફઝલભાઈ ચાવડા સહિત મોટી સંખ્યામાં નગરજનો, શિક્ષકો અને વાલીઓની ઉપસ્થિતિ રહી હતી.
જે. વી. એચ. દોશી પ્રાથમિક શાળા, આર,.ટી. શાહ પ્રાથમિક શાળા, જે. યુ. કોઠારી પ્રાથમિક શાળા અને એન. એન. શાહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાં 1000 જેટલાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળ પાસેથી પ્રારંભ થઈને રામ ચોક, મસ્જિદ શેરી, મુખ્ય બજાર, ટાવર ચોક, શેઠ અમૃતલાલ સુખલાલ માર્ગ, ભાવસાર ચોકના માર્ગે થઈને યાત્રાની પૂર્ણાહૂતિ પાછી અહીં જ થઈ હતી. 100 ફૂટના બે રાષ્ટ્રધ્વજ તથા આખી યાત્રાને પગપાળા પૂર્ણ કરનાર ત્રણ-વર્ષીય બાળક તીર્થ પ્રભુભાઈ રંગપરા વિશેષ આકર્ષણના કેન્દ્ર બન્યા હતા.