કુવાડવા પાસે ટ્રકે બાઇકને ઉલાળતાં ટ્રાન્સપોર્ટના મહેતાજીનું કરૂણ મોત
કુવાડવામાં રહેતા અને ટ્રાન્સપોર્ટમાં મહેતાજી તરીકે ફરજ બજાવતો યુવાન રાજકોટ ઓફિસના કામે પોતાનું બાઈક લઈને આવતો હતો. ત્યારે કુવાડવા જીઆઇડીસી પાસે ટ્રક ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કુવાડવામાં આવેલી શિવધારા સોસાયટીમાં રહેતા અને કુવાડવામાં જ આવેલા બિના ટ્રાન્સપોર્ટમાં મહેતાજી તરીકે નોકરી કરતા માહિર જીગ્નેશભાઈ ધામેલીયા નામનો 22 વર્ષનો યુવાન પોતાનું બાઈક લઈને રાજકોટ ઓફિસના કામે આવતો હતો ત્યારે કુવાડવા જીઆઇડીસી પાસે પહોંચતા ટ્રક ચાલકે માહિર ધામેલિયાના બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા માહિર ધામેલીયાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક માહિર ધામેલીયા બે ભાઈમાં નાનો હતો અને બીના ટ્રાન્સપોર્ટમાં મહેતાજી તરીકે નોકરી કરતો હતો અને ઓફિસના કામે રાજકોટ આવતો હતો ત્યારે રસ્તામાં જીવલેણ અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.