કુંભારવાડામાં માતાના પડખામાં દબાઇ જતાં બાળકનું કરૂણ મોત
સ્તનપાન કરાવ્યા બાદ બાજુમાં જ સુવડાવ્યુ હતું, મોઢા અને નાકમાંથી લોહી નીકળતા ઝનાના હોસ્પિટલે લઇ ગયા પણ જીવ બચ્યો નહીં
શહેરમાં રામનાથ પરા નજીક કુંભારવાડામાં રહેતી મહિલાના પડખામાં સુતેલા માસુમ બાળકનું દબાઈ જતા લોહીલુહાણ હાલતમાં મોત નિપજતા તેના પરીવારમાં માતમ છવાયો છે.બનાવને પગલે એ ડીવીઝન પોલીસે કાર્યવાહી કરી છે.
વધુ વિગતો મુજબ, કુંભારવાડામાં રહેતા શેફુદ્દીનભાઈ શેખનો 12 દિવસનો પુત્ર રાત્રીના તેની માતા સાથે સુતો હતો તે દરમ્યાન બેભાન થઈ જતા તેને સારવાર માટે ઝનાના હોસ્પીટલમાં ખસેડાયો હતો.જેનુ સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ. બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકના જમાદાર નરેશભાઈ શિયાળ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.
પોલીસની તપાસમાં શેફુદ્દીન શેખ સોની કામની મજુરી કામ કરતા હોવાનુ અને તેને સંતાનમાં એકના એક પુત્ર હોવાનુ પરીવારે જણાવ્યુ હતુ.પોલીસની વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે પુત્રને માતાએ સ્તનપાન કરાવ્યા બાદ તેમણે બાજુમાં જ સુવડાવી દીધું હતું બાદમાં માતાએ જાગીને જોતા બાળકના મોઢામાંથી અને નાકમાંથી લોહી નીકળેલું હતું અને બાળકને જગાડતા તે જાગતું નહોતું અને બેભાન હાલતમાં તેમને ગુંદાવાડી સરકારી હોસ્પિટલ બાદ જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં ફરજ પરના તબીબે મૃતજાહેર કર્યો હતો.એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.