માણાવદરના સરાડિયામાં રોડ પર સુતેલા શ્રમિક પર ટ્રેકટર ચડાવી દેતાં કરૂણ મોત
માણાવદરના સરાડીયા ગામે પેટ્રોલપંપ પાસેની ખુલ્લી જગ્યામાં રોડની સાઈડમાં એક શ્રમિક પરિવાર સુતો હતો, જેમાં પરિવારના મોભી શ્રમિક યુવાન સુતો હતો, તેની ઉપર કોઈ અજાણ્યા ટ્રેક્ટર ચાલકે પથ્થરથી ભરેલું ટ્રેક્ટર ચડાવી દેતા શ્રમિક યુવાનનું કરુણ મોત થયાની ઘટના સામે આવતા ટ્રેક્ટર ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોધાવવામાં આવી છે.
મૂળ જેતપુરના અને હાલ માણાવદરના સરાડીયા વિસ્તારમાં છુટક મજુરી કામ કરતા કિશોરભાઈ કાનાભાઈ પરમાર તેમના પરિવારમાં પત્ની મનીષાબેન, ત્રણ દીકરા અને ચાર દીકરી સાથે અહી ગોવિંદભાઈ જેઠાભાઈ વરુની દુકાન પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે ખુલ્લી જગ્યામાં રોડની સાઈડમાં રાતે સુતા હતા. ત્યારે વહેલી સવારે આશરે પાંચેક વાગ્યે કોઈ અજાણ્યો ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટરમાં પથ્થર ભરીને આવેલો અને જ્યાં કિશોરભાઈ સુતા હતા તેની બાજુમાં ટ્રેક્ટર ઠલવીને જતો રહ્યો હતો.
જતા જતા તેણે કિશોરભાઈના પત્ની મનીષાબેન સાથે વાત કરી કે, અહી કોણ સુતું છે, નડશે નહી, ભલે સુતો કહીને જતો રહ્યો હતો, અને સવાર પડતા માલુમ પડ્યું કે, કિશોરભાઈની ઉપર અજાણ્યા ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટર ચડાવી દેતા તેમના પગ ભાંગી ગયા હતા, અને શરીર ઉપર લોહીના લીસોટા હતાં, જેથી તેને છકડો રીક્ષામાં નાખીને નજીકના સરકારી દવાખાને લઈ જતા તેનું મોત થયાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું.
આ ઘટના અંગે મૃતકની દીકરી પાયલે જણાવ્યું કે, ટ્રેક્ટર ચાલકે તેમના પિતા ઉપર ટ્રેક્ટર ચડાવી દેતા મોત થયું છે, જેથી મનીષાબેને ટ્રેક્ટર ચાલક સામે માણાવદર પોલીસમાં ફરિયાદ નોધાવતા પોલીસે અજાણ્યા ટ્રેક્ટર ચાલકની શોધખોળ કરી છે. આ ઘટનાથી શ્રમિક પરિવાર જુપ્ર આભ તૂટી પડ્યું છે, કારણ કે, તેમના ત્રણ દીકરા અને ચાર દીકરી હાલ પિતા વિહોણા બન્યા છે.