યાજ્ઞિક રોડ બંધ કરાતા ટ્રાફિક ટેરર, જાગનાથ વિસ્તાર જામ
સવારે શેરીઓ-ગલીઓમાં વાહનો ભરાયા, રહેવાસીઓ ત્રાહિમામ, પ્રથમ દિવસે જ અંધાધૂંધી
રાજકોટના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં વોંકળાને બદલે બોક્સ કલ્વર્ટ બનાવવાના નવા કામ કરાવવા માટે મનપાએ રોડ ખોદવાનો હોવાથી યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક પાસે મંગળવાર સાંજે આડસ બાંધી રોડ બંધ કરવાનું નક્કી કરાયું હતું. જે સંદર્ભે ત્રણ દિવસ પહેલા ડાયવર્ઝન અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતુ. શહેરીજનોએ સર્વેશ્વર ચોકની બંને તરફ પહોંચવા માટે અલગ અલગ ડાયવર્ઝનનો ઉપયોગ કરવાનો રહેશે તેવું જાહેરનામામાં જણાવાયું હતું.
ત્યારે આજ સવારથી યાજ્ઞિક રોડ બંધ કરવામાં આવતા સવારે ઇન્દિરા સર્કલ પાસે અકસ્માતની ઘટના બનતા તમામ પોલીસ કાફલો ત્યાં પહોંચી ગયો હતો અને ત્યાં ટોળાને વિખેરવા કાર્યવાહી કરાઈ હતી.તેમજ ટ્રાફિક નિયમન કરવામાં આવ્યું હતું.જેને પગલે યાજ્ઞિક રોડ,એસ્ટ્રોન ચોક અને હેમુગઢવી હોલ મેઈન રોડ,વિરાણી ચોક તેમજ જાગનાથ પ્લોટ વિસ્તાર નજીક વાહન ચાલકોને ટ્રાફિક નિયમન કરવા માટે ટ્રાફિક પોલીસનો પૂરતો સ્ટાફ ન હોવાથી ટ્રાફિકજામનો સામનો કરવો પડ્યો હતો.
મુખ્ય માર્ગ પરથી પસાર થતા વાહનો યાજ્ઞિક રોડ થઈ જાગનાથ વિસ્તારમાંથી નીકળવા જતા ત્યાં ટ્રાફિકજામ સર્જાયો હતો.યાજ્ઞિક રોડ પરથી ડાયવર્ઝન પર જતા વાહનો આજે સવારથી જ નાની નાની શેરી ગલીઓમાં ભરાયા હતા અને વાહન ચાલકો હોર્ન મારતા તેને પગલે લતાવાસીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.