For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગિરનારની લીલી પરિક્રમાને લઇને ટ્રાફિક નિયમન પ્લાન જાહેર

11:31 AM Oct 29, 2025 IST | admin
ગિરનારની લીલી પરિક્રમાને લઇને ટ્રાફિક નિયમન પ્લાન જાહેર

5 નવેમ્બર સુધી અનેક માર્ગો વન-વે જાહેર, ભવનાથમાં પ્રવેશબંધી લાગુ કરાશે

Advertisement

ગિરનારની પાવનકારી ભૂમિ પર શ્રદ્ધા અને પ્રકૃતિનો અનોખો સંગમ રચતી લીલી પરિક્રમાનો 2 નવેમ્બર 2025થી પ્રારંભ થઇ રહ્યો છે. લીલી પરિક્રમા 2025માં લાખો શ્રદ્ધાળુઓ પાવન યાત્રા માટે ઉમટી પડશે. ભક્તિ અને સાહસના આ મહાપર્વમાં યાત્રાળુઓની સરળતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 5 નવેમ્બર 2025 સુધી વ્યાપક ટ્રાફિક નિયમન, પાર્કિંગ ગોઠવણ અને ભવનાથ વિસ્તારમાં વાહન પ્રવેશબંધી જેવા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, જેથી આ ધાર્મિક યાત્રા નિર્વિઘ્ને સંપન્ન થાય.

વાહન ક્યાં પાર્ક કરવું?
ગિરનાર લીલી પરિક્રમા મોટી સંખ્યામાં યાત્રાળુ ભવનાથ ખાતે આવે છે. આ સમય દરમિયાન ભવનાથ તળેટીમાં બહોળા પ્રમાણમાં વાહનોની અવર જવર રહેશે. જેથી ટ્રાફિકના સરળ નિયમન અને કોઈપણ પ્રકારના અકસ્માતો નિવારવા માટે આજથી 5 નવેમ્બર 2025 સુધી જાહેર તથા ખાનગી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જાહેર પાર્કિંગ સ્થળોમાં નીચલા દાતાર પાસે ખુલ્લી જગ્યામાં તમામ પ્રકારના વાહનો માટે અને જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે ટુ વ્હિલર પ્રકારના વાહનોનું પાર્કિંગ રાખવામાં આવ્યું છે. ખાનગી પાર્કિંગ માટેના સ્થળોમાં જીવરાજ ઓધવજીભાઈ સોલંકીની વાડી મહાસાગર, મજેવડી રોડ જુના દારૂૂખાનાની ખુલ્લી જગ્યા (માલિક- ડોલરભાઈ કોટેચા), શશીકાંતભાઈ દવેની વાડી (મજેવડી દરવાજાથી ભરડાવાવ રોડ, જિલ્લા જેલની વાડી પર), કાળુભાઈ સુખવાણીની વાડી (જમાલવાડી) મજેવડી દરવાજાથી ભવનાથ તરફ જતા રસ્તે તમામ પ્રકારના વાહનો માટે ખાનગી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisement

ક્યાં વાહનોની પ્રવેશબંધી?
ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન અકસ્માત નિવારવા, લોકોની અવર જવરને અડચણ ન થાય અને ટ્રાફિકનું નિયંત્રણ કરવા માટે વાહનોની પ્રવેશબંધી માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ તાત્કાલિક અસરથી 5 નવેમ્બર 2025 સુધી તમામ પ્રકારના વાહનો જેમાં (જી.એસ.આર.ટી.સી. મીની બસ સિવાય) ભરડાવાવ-ગિરનાર દરવાજાથી ભવનાથ તરફ જવા માટે પ્રવેશબંધી રહેશે. લોકોની આવક વધુ થાય ત્યારે જાહેર સલામતીના હેતુસર પરિસ્થિતિનું મુલ્યાંકન કરીને તમામ પ્રકારના વાહનોની અવર જવર પર પોલીસ તંત્ર પ્રતિબંધિત કરી શકશે. ગિરનાર પરિક્રમાની કામગીરી સાથે સંકળાયેલા સરકારના સંબંધિત ખાતા તથા પોલીસ ખાતા દ્વારા મંજૂરી આપવામાં આવી હોય તેવા પાસવાળા વાહનોને આ જોગવાઈ લાગુ પડશે નહીં.ભવનાથ વિસ્તારમાં કાયમી ધોરણે વસવાટ કરતાં સ્થાનિક રહેવાસીઓને આ જોગવાઈ પણ લાગુ પડશે નહીં. પરંતુ તેઓએ ફરજ પરના પોલીસ- ટ્રાફિક અધિકારીની સુચના અનુસાર અવરજવર કરવાની રહેશે.

કયા માર્ગો વન-વે જાહેર?
ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ટ્રાફિક નિયમન અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે જૂનાગઢ શહેરમાંથી ભવનાથ જવા અને ભવનાથથી જૂનાગઢ શહેર તરફ આવવા માટેના રસ્તાઓ વન વે જાહેર કરવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને એક માર્ગીય રસ્તા જાહેર કર્યા છે, તેમાં જૂનાગઢ શહેરમાંથી ભવનાથ જવા માટે ભરડાવાવથી સ્મશાન સુધી અને વડલી ચોકથી ભવનાથ મંદિર મૃગીકુંડક તળાવની પાળ સુધી અને ભવનાથથી જૂનાગઢ શહેર તરફ આવવા માટે મંગલનાથની જગ્યાએથી વડલી ચોક સુધી અને સ્મશાનથી ગિરનાર દરવાજા સુધીના એક માર્ગીય રસ્તો રહેશે. આ જાહેરનામું તાત્કાલિક અસરથી 5 નવેમ્બર 2025સુધી કોઈપણ પ્રકારના વાહનોની (સરકારી વાહનો અને ફરજ ઉપરના અધિકારીઓના વાહનો સિવાય) ભવનાથ તળેટીથી આગળ પરિક્રમાના રસ્તાઓ ઉપર અવર જવર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ ઉપરાંત આ હુકમ ગિરનાર પરિક્રમા સંલગ્ન વિવિધ વિભાગોના ફરજ પરના વાહનો તથા અન્ય સરકારી વાહનો તથા ફરજ ઉપરના અધિકારીના વાહનો અને નાયબ વન સંરક્ષકશ્રી, જૂનાગઢ તરફથી જેમને વાહનના પાસ અપાયેલ છે, તેવા સ્વૈચ્છિક સંસ્થાઓના વાહનો તેમજ પોલીસ વિભાગ તરફથી પાસ અપાયેલ હોય તેવા વાહનોને લાગુ પડશે નહીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement