ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતા: શહેરમાં જંગલરાજ, નાગરિકો ત્રાહિમામ્
આડેધડ વાહન પાર્કિંગ તેમજ રેંકડીઓના ખડકલા, રણજિત રોડ પર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાતાં અનેક વાહન ચાલકો અટવાયા
જામનગર શહેરમાં ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતાના કારણે શહેરમાં ટ્રાફિકનું જંગલરાજ સર્જાયું છે. શહેરના દરેક સર્કલ અને ચોકમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, પરંતુ ટ્રાફિક પોલીસ આ બાબતે ગંભીર નથી. શહેરના મુખ્ય માર્ગો પર વાહનચાલકો ટ્રાફિકના નિયમોની અવગણના કરીને ઝડપથી વાહન ચલાવી રહ્યા છે, જેના કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.જામનગરમાં ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતાને કારણે શહેરમાં જંગલરાજ, નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા.
શહેરના નાગરિકો ટ્રાફિકના આ જંગલરાજથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેઓ કહે છે કે, શહેરના મોટાભાગના વિસ્તારોમાં ટ્રાફિક પોલીસની ગેરહાજરી જોવા મળે છે. જેના કારણે વાહનચાલકો મનસ્વી રીતે વાહન ચલાવી રહ્યા છે. રેડ સિગ્નલ તોડવા, ખોટી જગ્યાએ વાહન પાર્ક કરવું, ઝડપથી વાહન ચલાવવું જેવા ગુનાઓ ખુલ્લેઆમ થઈ રહ્યા છે.રણજીત રોડ પર સોમવારે બપોરે 2,00 વાગ્યાના અરસામાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, અને મોટી સંખ્યામાં અનેક વાહનચાલકો લાંબો સમય સુધી અટવાઈ પડ્યા હતા. આ રોડ પરના રેકડીઓના જંગલ તેમજ આડેધડ વાહન પાર્કિંગને લઈને ટ્રાફિક શાખા ને ભારે કવાયત કરવી પડી હતી. જામનગરના રણજીત રોડ પર બપોરના સમયે તેમજ સાંજના સમયે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે, તેમાંય ખાસ કરીને આજે સોમવારે બપોરે 2.00 વાગ્યાના અરસામાં એકાએક ટ્રાફિક જામ થયો હતો. કેટલાક વાહન ચાલકો દ્વારા પોતાના વાહનોને આડેધડ પાર્ક કર્યા હતા.
તેમજ રણજીત રોડ પર ફ્રુટ- શાકભાજીની અનેક લારીઓ ગોઠવાયેલી હોવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી, જેને લઈને વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા. ટ્રાફિક શાખા ની ટુકડીને જાણ થવાથી ટ્રાફિક શાખાની ટીમ રણજીત રોડ પર પહોંચી હતી, અને આશરે અડધો કલાકની જહેમત લઈને આખરે વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો. જે દરમિયાન કેટલીક ફોરવ્હીલ, રીક્ષા તથા અનેક ટુ-વ્હીલર ના ચાલકો અટવાઈ પડ્યા હતા.
વર્ષોથી સિગ્નલો ધૂળ ખાઈ રહ્યા છે
જામનગર: જામનગર શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની ભીડ જોવા મળી રહી છે અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. આ સમસ્યાનું મુખ્ય કારણ છે શહેરમાં લાગેલા ટ્રાફિક સિગ્નલોનું કાર્યરત ન હોવું. નગરજનોએ પોતાના કરવેરાના રૂૂપિયામાંથી આ ટ્રાફિક સિગ્નલો બનાવ્યા હતા, પરંતુ આ સિગ્નલો ધૂળ ખાઈ રહ્યા છે. શહેરના વિવિધ ચોક અને સર્કલો પર લાગેલા આ સિગ્નલો કાર્યરત ન હોવાથી વાહનચાલકો મનસ્વી રીતે વાહન ચલાવી રહ્યા છે. જેના કારણે અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. શહેરના નાગરિકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ કહે છે કે, ટ્રાફિક પોલીસની નિષ્ફળતાને કારણે જ શહેરમાં ટ્રાફિકની આવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક પોલીસની પેટ્રોલિંગ પણ ઓછી જોવા મળે છે. જેના કારણે વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાથી ગભરાતા નથી.