રાજકોટ શહેરમાં રાત્રે 8 કિ.મી. વિસ્તારમાં ટ્રાફિક જામ
સાંજે 7થી 8 સુધી ટ્રાફિક જામમાં હજારો વાહનચાલકો ફસાયા, ગોંડલ રોડ ચોકડીથી રૈયા ચોકડી અને અમીન માર્ગ, કે.કે.વી. હોલ, યુનિવર્સિટી રોડ સહિતના રાજમાર્ગો ઉપર વાહનોની લાંબી કતારો
શહેરમાં ગઈકાલે અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. શહેરના રાજમાર્ગો ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ગોંડલ રોડ ચોકડીથી લઈ રૈયા ચોકડી અને રોસકોર્સથી લઈ કેકેવી સર્કલ સુધી એક કલાક રાજકોટના શહેરીજનો ટ્રાફિક જામમાં ફસાયા હતાં. રાજકોટ શહેરના રાજમાર્ગોથી લઈ આસપાસના આઠ કિલોમીટરના વિસ્તારમાં સર્જાયેલા આ ટ્રફિક જામમાં એમ્બ્યુલન્સ અને પોલીસના વાહનો તેમજ સરકારી વાહનો પણ ફસાઈ જતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ ટ્રાફિક જામને ક્લિયર કરાવવા માટે ટ્રાફિક પોલીસના અડધા અધિકારીઓ રોડ ઉપર આવ્યા હતાં અને સાત વાગ્યેથી જામ થયેલો ટ્રાફિક રાત્રે 9 વાગ્યા બાદ પૂર્વવત થયો હતો.
શહેરમાં અવાર નવાર ટ્રાફિક જામ સર્જાય છે. પરંતુ ગઈકાલે સાંજે રાજકોટ શહેર જ નહીં પણ શહેરને જોડતા અન્ય રસ્તાઓ ઉપર પણ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. આશરે આઠ કિલોમીટરના શહેરના રસ્તાઓ અને આરસાસના વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતાં. સાંજે સાત વાગ્યાથી ટ્રાફિક જામ થયો હતો. જેમાં ગોંડલ રોડ ચોકડીથી લઈ રૈયા ચોકડી અને માધાપર ચોકડી સુધી જ્યારે રેસકોર્સથી લઈ કેકેવી હોલ અને કટારિયા ચોકડી સુધી ટ્રાફિક જામ થયો હતો. મુખ્યમાર્ગો ઉપર ટ્રાફિક જામની અસર અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી હતી.
જેમાં કાલાવડ રોડ ઉપર કેકેવી હોલ સુધી ટ્રાફિક જામના કારણે અમિન માર્ગ, ઈન્દિરા સર્કલ, હનુમાનમઢી, નિર્મલારોડ ઉપર પણ વાહનોની કટારો લાગી ગઈ હતી. જ્યારે મવડી ઓવરબ્રીજ ઉપર પણ વાહનોના થપ્પા લાગી જતાં લોકો આ ટ્રાફિક જામમાંથી ઝડપથી બહાર નિકળવાની ઉતાવળમાં અન્ય માર્ગો ઉપર પોતાના વાહનો લઈને પસાર થવા લાગતા તે વિસ્તારમાં પણ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. મવડી વિસ્તારમાં ટ્રાફિક જામની અસર નાનામૈવા તેમજ બીગબઝાર સહિતના વિસ્તારોમાં જોવા મળી હતી.
એક કલાકથી વધુ સમય જામના કારણે ટ્રાફિક પોલીસને પણ આ વાહન વ્યવહારને પુર્વરત કરાવવા માટે પરસેવો છુટી ગયો હતો. રાજકોટ શહેર ટ્રાફિક વિભાગના અડધો અડધ સ્ટાફ ટ્રાફિક ક્લિયર કરાવવા માટે રસ્તા ઉપર ઉતરી પડ્યો હતો તેમજ ટોઈંગ કામગીરી કરતા કર્મચારીઓને પણ ટ્રાફિક નિયમમન માટે રોડ ઉપર ઉતરવું પડ્યું હતું.
ટ્રાફિક જામ અંગે ડીસીપી અજાણ ! મને કંઈ ખબર નથી : પૂજા યાદવ
શહેરમાં ગઈકાલે એક કલાક સુધી મુખ્ય માર્ગો તેમજ આસપાસના 8 કિલોમીટરના એરિયામાં ટ્રાફિક જામ સર્જાયો હોય અને હજારો વાહનો ટ્રાફિકજામની મુશ્કેલીમાં ફસાયા અને હાલાકી ભોગવી રહ્યા હતાં. ત્યારે આ મામલે રાજકોટ શહેર ટ્રાફિક નિયમનની જેના પર જવાબદારી છે એવા ટ્રાફિક ડીસીપી આ મામલે સાવ અજાણ જ હતાં ‘જ્યારે રોમ સળગતું હતું ત્યારે નીરો વાસળી વગાડતો હતો’ તેવો ઘાટ રાજકોટ શહેરની જનતાનો હતો કારણ કે, આ મામલે ટ્રાફિક ડીસીપી પૂજા યાદવને જ્યારે માહિતી માટે ફોન કરવામા આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટપણે એવું જણાવ્યું હતુ ંકે, મને કંઈ ખબર નથી અને આવી કોઈ ફરિયાદ મને મળી નથી. ટ્રાફિક જામમાં રાજકોટના શહેરીજનો જ્યારે હાલાકી ભોગવતા હોય ત્યારે આ અંગે ટ્રાફિક ડીસીપી અજાણ હોય તે બાબત પણ વિચારવા જેવી છે.
શહેરના અનેક વિસ્તારોમાં પાઈપ લાઈન નાખવાની કામગીરીથી પ્રજા ત્રસ્ત
રાજકોટ શહેરમાં ટ્રાફિકજામ એ સામાન્ય બાબત થઈ ગઈ છે પરંતુ ટ્રાફિક જામ પાછળનું કારણ શું તે બાબત અંગે અધિકારીઓએ મનોમંથન કરવાની જરૂર છે. રાજકોટ શહેરમાં હાલ પાઈપલાઈન નાખવાની કામગીરી અનેક વિસ્તારોમાં ચાલી રહી છે. મહાનગરપાલિકા દ્વારા આ પાઈપલાઈન નાખવાની કામગીરીના કારણે આડેધડ રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. શહેરના મવડી ચોકડી પાસે બાપા સિતારામ ચોક પાસે તેમજ બ્રીજ નીચે પાઈપલાઈન નાખવાની કામગીરીના કારણે જેસીબીથી ખાડા ખોદાયા બાદ કોન્ટ્રાક્ટરો આવા રસ્તાઓ ઉપર ડામર કામ કરવાની તસ્દી લીધી નથી. અને હાલ ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં ટિકવર્સમાં પણ રસ્તાઓ ઉપર મોટી તોતીંગ પાઈપલાઈનો હોવાના કારણે વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડે છે. ત્યારે કોન્ટ્રાક્ટરોની અવરચંડાઈના કારણે શહેરમાં અનેક વિસ્તારોના રસ્તાઓ ખખડધજ બન્યા છે અને ટ્રાફિક જામના દ્રશ્યો હવે રોજ જોવા મળે છે. રાજકોટના નાગરિકો આ ટ્રાફિક જામથી હવે ત્રસ્ત થયા છે.