‘ટોપા’ના ચેકિંગના કારણે રૈયા ચોકડી આસપાસ ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ
150 ફૂટ રિંગ રોડ ઉપર વરસાદમાં વાહન ચાલકો ફસાયા, રૈયા ચોકથી ઈન્દિરા સર્કલ, નાણાવટી ચોક, કનૈયા ચોક, સાધુવાસવાણી રોડ સુધી વાહનોની લાંબી કતારો લાગી
શહેરમાં આજે હેલમેટની મેગા ડ્રાઈવ યોજાઈ હોય જેને લઈને શહેરભરની પોલીસ રસ્તાઓ પર ઉતરી પડી હતી. જાહેર માર્ગો ઉપર ચેકીંગ હોવાના કારણે કેટલાક વાહન ચાલકોએ હેલમેટના દંડથી બચવા માટે શહેરી ગલ્લીમાંથી વાહનો ચલાવ્યા હતાં. રૈયા ચોકડી તેમજ ઈન્દીરા સર્કલ આસપાસ હેલમેટના ચેકીંગના કારણે ટ્રાફીક જામ થઈ ગયો હતો. રૈયા ચોકડી આસપાસના 3 કિલોમીટરના વિસ્તારમાં બે કલાક સુધી ભારે ટ્રાફીક જામ થતાં વાહન ચાલકો ફસાયા હતાં અને કલાકો સુધી ટ્રાફીક નિયમન માટે પોલીસને પગે પાણી ઉતર્યા હતાં.
રૈયા ચોકડીથી આસપાસ ટોપાના ચેકીંગમાં ટ્રાફીક જામ સર્જાયો હતો. 150 ફુટ રોડ પર બે કલાક સુધી ટ્રાફીક જામથી ભારે અવ્યવસ્થા ઉભી થઈ હતી. જેના કારણે લોકોમાં દેકારો બોલી ગયો હતો. રૈયા ચોકડીથી હનુમાન મઢી તરફના કનૈયા ચોક સુધી તો બીજી તરફ રૈયા ચોકડીથી નાણાવટી ચોક સુધી તેમજ સાધુવાસવાણી રોડ થી જનતા ડેરી સુધી તેમજ રૈયા ચોકડીથી ટેલીફોન એક્ષચેન્જ સુધી અને ઈન્દીરા સર્કલ સુધી ભારે ટ્રાફીક જામ જોવા મળ્યો હતો.
શહેરભરમાં આજે હેલ્મેટની મેગા ડ્રાઈવ હોવાના કારણે પોલીસનું ચેકીંગ અલગ અલગ વિસ્તારોમાં હોય ઈન્દીરા સર્કલ અને રૈયા ચોકડીના વિસ્તારમાં ચેકીંગના કારણે ટ્રાફીક જામ થયાનું વાહન ચાલકોમાં ચર્ચાઈ રહ્યું હતું. એક તરફ શહેરમાં વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓ ઉપર મોટા ખાડા પડયા છે જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ હેલમેટનું ચેકીંગ હોવાના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વાહન ચાલકોએ પોલીસ દંડથી બચવા માટે શેરી ગલ્લીઓના રસ્તાઓનો સહારો લીધો હોય આવા રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે વાહનની ગતિ ધીમી પડતાં ટ્રાફીક જામ સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. રૈયા ચોકડી આસપાસના 3 કિલોમીટર સુધીનાં વિસ્તારમાં બે કલાક સુધી ટ્રાફીક જામ થઈ જતાં આ રસ્તાઓ વાહનના હોનની ચીચીયારોથી ગુંજી ઉઠયો હતો. એક તરફ સાડા કોલેજ આસપાસ બાળકોને લેવા મુકવા આવતાં તેમના પરિવારજનો અને વાન ચાલકોના કારણે ટ્રાફીક સમસ્યા વધતી હોય ત્યારે બીજી તરફ શહેરનાં માર્ગો ઉપર વરસાદના કારણે મોટા ખાડા અને હેલમેટનું ચેકીંગ આ બધી બાબતો એક સાથે થતાં વાહન ચાલકોએ ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી.
બપોરે 12 વાગ્યા સુધી શહેરભરમાં હેલમેટનું ચેકીંગ ચાલુ હોય જેના કારણે પોલીસ પણ આ ચેકીંગમાં વ્યસ્ત હોય ટ્રાફીક નિયમન માટે રૈયા ચોકડી આસપાસના વિસ્તારોમાં પોલીસ નહીં દેખાતાં વાહન ચાલકોને બે કલાક સુધી ટ્રાફીક જામની સમસ્યાનો ભોગ બનવું પડયું હતું. આ ટ્રાફીક જામમાં એમ્બ્યુલન્સ સહિતનાં ઈમરજન્સીના વાહનો પણ ફસાઈ ગયા હતાં. ભારે જહેમત બાદ બપોરે 12 વાગ્યાની આસપાસ જામ થયેલો ટ્રાફીક વ્યવહાર દોઢ વાગ્યાની આસપાસ પૂર્વવત થયો હતો.