હાપા યાર્ડમાં શાક-બકાલામાં ક્રેટ દીઠ શેષ ઉઘરાવવા સામે વેપારીઓનો વિરોધ
નિયમ વિરૂધ્ધ રાત્રે 3 વાગ્યે પ્રવેશી પથારાવાળાઓ માલ વહેલો ખરીદતા હોવાનો આક્ષેપ
જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં દરરોજ સવારે 4 વાગ્યાથી શરુ થતી શાકભાજીની ખરીદી-હરરાજીમાં નિયમ ભંગ કરીને અમુક લોકોને રાત્રે 3 વાગ્યે પ્રવેશ અપાતો હોવાની અને યાર્ડ દ્વારા લેવાતો શેષ પણ વધુ હોવાની ફરિયાદ સાથે ચાર્ડ ઓફીસમાં વેપારીઓએ કોંગી કોર્પોરેટરને સાથે રાખીને આવેદન આપ્યું હતું.
ટમેટા સહિતના બકાલાના વેપારીઓએ કોર્પોરેટર રચનાબેન નંદાણીયાને સાથે રાખીને યાર્ડ કચેરી ખાતે જઈને સેક્રેટરી હિતેષભાઈ પટેલને આવેદન આપીને જણાવ્યું હતું કે, છુટક વિક્રેતાઓ પાસેથી નિયમ મુજબ યાર્ડ અડધો ટકો શેષ વસુલી શકે છે. જે શેષની રકમ માલ ખરીદનારે ભરવાની હોય છે. યાર્ડ દ્વારા અડધા ટકાને બદલે માલના ક્રેટ ઉપર શેષ ઉઘરાવવામાં આવે છે. યાર્ડ તંત્ર ક્રેટ દીઠ રૂૂ.6નો શેષ યાર્ડના અધિકારી ઉઘરાવે છે. આ ઉપરાંત યાર્ડ સવારે 4 વાગ્યે જ ખુલવાનો નિયમ છે.
છતાં યાર્ડના કર્મચારીઓની મીઠી નજર હેઠળ અમુક પથારાવાળાને રાત્રે 3 વાગ્યે એન્ટ્રી મળી જાય છે. જે કમિશન એજન્ટ પાસેથી માલની ખરીદી કરી લે છે અને છુટક વિક્રેતાઓને ઉંચાભાવે માલ ખરીદવા મજબુર કરે છે. સરવાળે ગ્રાહકોને શાક-બકાલું-ટમેટા મોંગા મળે છે. આ પધ્ધત્તિ બંધ કરવાની રજુઆત પણ વેપારીઓ અને કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા કરવામાં આવી હતી.
