જંત્રીનો ઘસારો ઓછો હોવાથી ઔદ્યોગિક શેડની લે-વેચ બંધ, ઉદ્યોગકારોને હાલાકી
મોરબી જિલ્લામાં અંદાજે 300 જેટલા સિરામિક ઉદ્યોગોના શેડ છે. ઉદ્યોગના શેડની જંત્રી અને ઘસારાને લઈને સિરામિક ઉદ્યોગને હાલાકી પડી રહી હોય આ મામલે સિરામિક એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે. જેમાં વિટ્રિફાઇડ ટાઇલ્સ એસો.ના પ્રમુખ એમ.આર.કુંડારીયા, વોલ ટાઇલ્સ એસો.પ્રમુખ હરેશ બોપલીયા, ફ્લોર ટાઇલ્સ એસો.પ્રમુખ વિનોદ ભાડજા અને સેનેટરી વેર એસો.પ્રમુખ કિરીટભાઈ પટેલના જણાવ્યા મુજબ ઉદ્યોગના સિમેન્ટ શીટ વાળા શેડની જંત્રી હાલમાં 12,300 ચોરસ મીટર છે, જેની સામે અમારે સિમેન્ટ શીટના બાધકામનો ખર્ચ દર ચો.મી. રૂૂપિયા 2800 થી 3200 આવે છે. ઉદ્યોગમાં આવતા શેડ 10,000 થી 30,000 ચો.મી.ના હોય છે. આવડા મોટા શેડનું બાંધકામ આવતું હોવાથી વાસ્તવિક બાંધકામ ખર્ચ ઘણું જ નીચું આવે છે.
ઉદ્યોગના બાંધકામની જંત્રીમાં જે ઘસારો ગણવામાં આવે છે તે ફક્ત 1.20% ટકા છે. ઘસારાના આ દરે હિસાબ કરીએ તો બાંધકામની વેલ્યૂ 100 વર્ષે શુન્ય થાય પરંતુ હકીકતે ઉદ્યોગમાં આવતા શેડ બાંધકામની વેલ્યુ 10 વર્ષે શુન્ય થઈ જાય છે. તેથી ઘસારાનો દર વધારવાની ખાસ જરૂૂરિયાત છે. વર્તમાન ઘસારાની ટકાવારી ઘણી ઓછી હોવાના કારણે જુના યુનિટોની લે- વેચ થતી નથી.
કેન્દ્ર સરકારના ઈન્કમટેક્સ કાયદામાં પણ 10% વાર્ષિક ઘસારો ગણવામાં આવે છે. આ હિસાબ મુજબ અંદાજિત 25 વર્ષે બાંધકામ વેલ્યુ શુન્ય થઇ જાય છે. ઇન્કમટેક્સના નિયમ મુજબ બાંધકામમાં ઘસારો ગણવામાં આવે. છેલ્લા બે વર્ષ દરમિયાન મોરબી સિરામિક ઉદ્યોગમાં અંદાજે 200થી પણ વધુ યુનિટો બંધ થઈ ગયેલ છે. જેમાંથી અંદાજિત 100થી પણ વધુ યુનિટો, બાંધકામની જંત્રી અને ઘસારાના દરના કારણે લે/વેચ થઈ શકતા નથી. જેના કારણે બેંક, સરકારી તથા ખાનગી દેવું ચૂકવી શકતા નથી.