જૂનાગઢના કેરાળા ગામે 10 મજૂર સાથેનું ટ્રેકટર પલટી ખાઇ ગયું, બે શ્રમિકના મોત
ત્રણ મજૂરને સારવારમાં ખસેડાયા: મૃતકના પરિવારમાં શોક છવાયો
જૂનાગઢ નજીકના કેરાળા ગામ પાસે મોડી રાત્રે 10 મજુર સાથેનું ટ્રેક્ટર પલટી ખાઈ જતા 2 યુવાન શ્રમિક નું મૃત્યુ નીપજ્યું હતું અને 3 મજૂરોને ઈજા થતા જુનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
એમપી 45 એએ 7047 નંબરના ટ્રેક્ટરની ટ્રોલીમાં ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામના 30 વર્ષીય ભાવેશભાઈ કાળુભાઈ પરમાર, અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામના 25 વર્ષીય અસ્પાકભાઈ કાદરભાઈ બમાણી સહિતના 10 મજૂરોને ઓવર ટાઇમ કામ માટે બેસાડી ચાલક વિપુલભાઈ ટ્રેક્ટર હંકારી મોડી રાત્રે જઈ રહ્યા હતા.
તે વખતે જૂનાગઢ તાલુકાના કેરાળા અને વડાલ ગામ વચ્ચે પૂરઝડપે હંકારતા પવન ચક્કીના લોખંડના સામાન સાથેનું ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું.અકસ્માતથી ઇજા પામેલા 5 શ્રમિકોને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ફરજ પરના તબીબે ગંભીરતા પામેલા ભાવેશભાઈ પરમાર અને અસ્પાકભાઈ બમાણીને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત અંગે મૃતક યુવકના પિતા કાદરભાઈ જમાલભાઈ બમાણીએ ફરિયાદ કરતા જુનાગઢ તાલુકા પોલીસે ટ્રેક્ટર ચાલક વિપુલ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.