તહેવારોમાં સહેલાણીઓનો ઉત્સાહ ટ્રાફિકજામમાં અટવાયો
રાજકોટ-જેતપુર હાઇવે ઉપર સતત ચાર દિવસ રહ્યો ટ્રાફિકજામ, લોકો ત્રણ-ત્રણ કલાક સુધી ફસાયેલા રહ્યા
ભાંગેલા રસ્તાઓના કારણે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વાહનચાલકો ફસાયા, તંત્રની તમામ વ્યવસ્થાઓ ટૂંકી પડી
સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારો દરમિયાન લોકો હરવા-ફરવા અને મેળાઓમાં મહાલવા ખાનગી તથા ભાડાના વાહનો અને એસ.ટી. બસોમાં નીકળી પડયા હતા. પરંતુ ભંગાર રસ્તાઓ અને તંત્રની આગોતરી વ્યવસ્થાના અભાવના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ થતા સહેલાણીઓ કલાકો સુધી ફસાયેલા રહ્યા હતા અને ઉત્સાહ ટ્રાફિક જામમાં ઓસરી ગયો હતો.
સૌરાષ્ટ્રના સોમનાથ-જુનાગઢ- પોરબંદર સહીતના જિલ્લાઓને રાજકોટ સાથે જોડતા રાજકોટ- જેતપુર નેશનલ હાઇવેને પહોર્ળે કરવાનું કામ વાહન ચાલકો માટે માથાનો દુ:ખાવો બન્યું હતું. સામાન્ય દિવસોમાં પણ ટ્રાફિક જામ સર્જાતો હતો ત્યાં તહેવારોમાં આ હાઇવે ઉપર ટ્રાફિક ચાર પાંચ ગણો વધીજતા ભારે અવ્યવસ્થા ફેલાયેલ હતી. 15 ઓગસ્ટ શુક્રવારથી સોમવાર એમ સતત ચાર દિવસ સુધી રાજકોટ-જેતપુર વચ્ચે ટ્રાફિક અંધાધુંધી જોવા મળી હતી.
આ હાઇવેના કામથી વાહન ચાલકોને પડતી હાડમારીના કારણે ઉગ્ર આંદોલન પણ થયું હતું. ત્યારે નેશનલ હાઇવે ઓથોરીટી અને પોલીસે ઘણી ખાતરીઓ આપી હતી. પરંતુ તહેવારોમાં ટ્રાફિક અનેકગણો વધી જતા તંત્રએ કરેલી વ્યવસ્થાઓ ટુંકી પડી હતી.
આવી જ હાલત સૌરાષ્ટ્રના અન્ય મુખ્ય માર્ગો ઉપર પણ જોવા મળી હતી. રાજકોટ-જેતપુર હાઈવે પર સિક્સ લેન પ્રોજેક્ટની કામગીરી અને ચાર ગણા વાહનવ્યવહારને કારણે ગોંડલ નજીક ત્રણ કિલોમીટર સુધી વાહનો ધીમે ધીમે પસાર થઈ રહ્યાં હતા. ટ્રાફિકને હળવો કરવા પોલીસતંત્ર દ્વારા ઓવરબ્રિજ ખોલાયા અને ક્રેનની વ્યવસ્થા પણ ગોઠવાઈ હતી પરંતુ આ વ્યવસ્થા ટુંકી પડી હતી. જન્માષ્ટમી અને 15મી ઓગસ્ટની રજાઓને પગલે ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાઈ હતી. હાઇવે પર વાહનોની જાણે કે નદી વહી રહી હોય એવાં દૃશ્યો જોવા મળ્યા હતા. જન્માષ્ટમીના પાવન પર્વ અને રજાઓની મોજ માણવા માટે સુરત, વડોદરા, અને અમદાવાદ જેવાં મોટાં શહેરોમાંથી લાખો લોકો સૌરાષ્ટ્રના પ્રવાસન અને ધાર્મિક સ્થળો જેવાં કે સાસણ-ગીર, સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અને ખોડલધામ-કાગવડ તરફ ઊમટી પડ્યા હતા. પરંતુ આ ઉત્સાહ હાઇવે પર ટ્રાફિકજામમાં ફેરવાઈ ગયો હતો.
રાજકોટથી જેતપુર સુધી ચાલી રહેલી સિક્સ લેનની કામગીરીને કારણે ઘણી જગ્યાએ રોડને સિંગલ લેન કરવામાં આવ્યો છે, જે આ ટ્રાફિકજામનું મુખ્ય કારણ બન્યું છે. ખાસ કરીને ગોંડલ નજીક તો પરિસ્થિતિ વધુ ગંભીર બની છે, જ્યાં વાહનોની ત્રણ-ત્રણ કિલોમીટર લાંબી કતારો જોવા મળી હતી. તહેવારોને લીધે સામાન્ય દિવસો કરતાં વાહનવ્યવહારમાં ધરખમ વધારો નોંધાયો હતો.