વાઇબ્રન્ટ સમિટમાં ટુરિઝમ વિભાગનાં હવાહવાઇ પ્રોજેકટ
કરોડો રૂપિયાના એમ.ઓ.યુ. કરી કંપનીઓએ કોણીએ ગોળ ચોંટાડયો અને સરકારે વાહવાહી મેળવી
અડાલજ પાસે દુબઇ થીમ પર વિલેજ, સાબરમતી રિવરફ્રન્ટ પર જાયન્ટ વ્હીલ્સ, સોમનાથના દરિયામાં સિંગાપોર જેવું એકવેરિયમ, દ્વારકાથી દીવ સુધી ક્રુઝની યોજનાઓ માત્ર કાગળ પર
ગુજરાતમાં રોકાણકારોને આકર્ષવા માટે યોજાતી વાઇબ્રન્ટ સમિટમાં કરોડો રૂપીયાના રોકાણ માટે એમઓયુ કરનાર કેટલીક કંપનીઓએ સરકારને પણ કોણીએ ગોળ ચોટાડીને ગુમ થઇ ગઇ છે. ખાસ કરીને ટુરિઝમ વિભાગને લગતા પ્રોજેકટો માત્ર કાગળ ઉપર જ રહ્યા છે. વાઇબ્રન્ટ સમિટમાં અનેક લેભાગુ કંપનીઓના ડિરેકટરોએ શુટ-બુટમાં સજજ થઇ મીટીંગ-સિટિંગ કરી વાહવાહી મેળવી ફોટા પડાવ્યા અને ખાધુ-પીધુને રાજ કર્યું જેવો તાલ સર્જાયો છે.
વાઇબ્રન્ટ સમિટમાં એક કંપની દ્વારા ગાંધીનગર-અડાલજની પાસે દુબઇ થીમ પર ગ્લોબલ વિલેજ બનાવવાનુ નક્કી કરાયુ હતું. આ ગ્લોબલ વિલેજમાં આખાય ભારતના વિવિધ રાજ્યોની કલા-સંસ્કૃતિને ઉજાગર કરવાના ભાગરુપે પરંપરાગત નૃત્યો, ડાન્સ શો સહિત અન્ય કલાવૃંદોની ઝલક-ઝાંખી જોવા મળે તેવું સ્થળ ઉભુ કરવા આયોજન કરાયુ હતું. તે વખતે ગાંધીનગર નજીક 40 એકર જમીનમાં રૂૂા.200 કરોડના ખર્ચે આખુય ગ્લોબલ વિલેજ ઉભુ કરવા ટુરિઝમ વિભાગે નક્કી કર્યુ પણ આ બઘુય કાગળ પર રહ્યુ છે. આજ રીતે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર લંડન થીમ પર જાયન્ટ વ્હીલ્સ શરૂૂ કરવા મોટી મોટી વાતો કરાઇ હતી પણ હજુ આ પ્રોજેક્ટનો પાયો નંખાયો નથી.
ધરોઇ ડેમ પાસે મહોર ગામ નજીક 640 એકર જમીનમાં વિવિધ સંતોની જીવનશૈલી અને સંદેશનુ પ્રદર્શન, મલ્ટીમિડીયા એમ્ફી થિયેટર, કેફેટેરિયા, વ્યાખ્યાન ખંડ, ભજન કિર્તનખંડ, વિશ્રામ સ્થળ, લાયબ્રેરી, કોન્ફરન્સ હોલ સહિતની સુવિધા સાથે સંતનગરી વિકસાવવા સરકારે સત્તાવાર જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટનું પણ હવાહવાઇ થયુ છે.
ગુજરાત પ્રવાસન વિભાગે ઇન્વેસ્ટર સમીટમાં જાહેરાત કરી કે રૂૂા.350 કરોડના ખર્ચે સોમનાથમાં દરિયામાં વિશાળ એક્વેરિયમ બનાવાશે જેમાં કાચની ટનલમાંથી વિવિધ પ્રજાતિની માછલી, કાચબા સહિત અન્ય દરિયાઇ જીવ જોઇ શકાય તેવી વ્યવસ્થા કરવા આયોજન કરાયુ હતુ. સાથે સાથે લોકો દરિયામાં કોરલ પણ નિહાળી શકશે તેવું જણાવાયું હતું પરંતુ હજુ સુધી આ પ્રોજેક્ટ કાગળ પર રહ્યો છે.
દેવભુમિ દ્વારકા, પોરબંદર, દીવ અને ગીર સોમનાથમાં ક્રુઝ શરૂૂ કરવા વાઇબ્રન્ટ ગુજરાતમાં એમઓયુ કરાયા હતા. કોસ્ટલ ટુરિઝમના નામે સરકારે ખુબ વાહવાહી મેળવી લીધી પણ હજુ સુધી ક્રુઝ શરૂૂ થઇ શક્યું નથી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એક મિરર બિલ્ડીંગ બનાવવા પણ નક્કી કરાયુ હતું. આ પ્રોજેક્ટ માત્ર જાહેરાત પુરતો જ રહ્યો હતો. દિલ્હી ખાતે મળેલી ઇનક્રેડિબલ ઇન્ડિયા સમિટમાં રૂૂા.1200 કરોડના ખર્ચે દેવની મોરી-બુઘ્ધિસ્ટ ટુરિસ્ટ સાઇટ વિકસાવવા એલાન કરાયુ હતું. હજુ સુધી કોઇ ઠેકાણું પડ્યુ નથી. આવા તો ઘણાં પ્રોજેક્ટ છે તે માત્રને માત્ર કાગળ પર જ રહ્યાં છે.