આવતીકાલે 25 હજાર જૈનો એકસાથે કરશે નવકારમંત્ર પઠન
JITO(જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન) અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા 9 એપ્રિલે વિશ્વ નવકાર મહામંત્ર દિવસનું અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ કલ્યાણના અર્થે આ મહત્વપૂર્ણ આયોજન જૈન સમાજ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં એક સાથે 25 હજાર જૈનો નવકારમંત્રનું સામુહિક પઠન કરશે.
આ નવકાર મંત્રના જાપથી એક ઐતિહાસિક રેકોર્ડ બનશે. આ કાર્યક્રમ 9 એપ્રિલના રોજ સવારે 8-01 વાગ્યાથી અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે આવેલા ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ-GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાશે.
મોદી JITO એપેક્સના દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે હાજર રહેશે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી JITO એપેક્સના દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે યોજાઈ રહેલા મુખ્ય કાર્યક્રમથી ઉપસ્થિત રહી સમગ્ર ભારતને વર્ચ્યુઅલી સંબોધિત કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ટોરેન્ટ ગ્રુપના સુધીર મહેતા તેમજ તમામ જૈન સમુદાય જેમ કે, શ્વેતાંબર સંઘ, દિગંબર સંઘ, તેરાપંથી સંઘ, સ્થાનકવાસી સંઘ એમ તમામ જૈન સમુદાયના જૈન મુની આ નવકાર મહામંત્રમાં ઉપસ્થિત રહેશે. ગચ્છાધિપતિ, આચાર્ય, સાધુ-સાધ્વીજી ભગવંતો નવકાર મહામંત્રના આશીર્વાદ આપવા માટે પધારશે. જીતો અમદાવાદના હોદ્દેદારો તેમજ વિવિધ સંઘોના અગ્રણીઓ પણ હાજરી આપશે.
સંઘો મોટી સંખ્યામાં કળશ લઈને આવશે કાર્યક્રમ પહેલા જ શહેરમાં કળશયાત્રા શરુ કરાઈ છે. જે જીએમડીસી ખાતે પૂર્ણ થશે. આ કળશયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં કળશ આપવામાં આવ્યા છે. અમદાવાદના તમામ જૈન મંદિરોમાંથી કળશ જૈન સમુદાયના લોકો દ્વારા તેમના ઘરે લઈ જવામાં આવ્યો છે, આ કળશની પૂજા કરી નવકાર મંત્રના જાપની પણ માળાઓ કરવામાં આવી રહી છે. 9 એપ્રિલે રોજ મોટી સંખ્યામાં સંઘો કળશને લઈને આવશે અને સામૂહિક નવકાર મંત્રનો જાપ કરશે. વિશ્વ નવકાર મહામંત્ર દિવસની ઉજવણીના ભાગરૂૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને JITO, અમદાવાદના ચેરમેન ઋષભ શાહ, ચીફ સેક્રેટરી મનીષ ડી. શાહ તથા નવકાર દિવસ ક્ધવીનર તથા પૂર્વ ચેરમેન આસિત શાહે મંગલ કળશ અર્પણ કર્યું હતું. નવકાર મંત્ર કેમ મહત્વપૂર્ણ મંત્ર? નવકાર મંત્ર એ જૈન ધર્મનો એક મહત્વપૂર્ણ મંત્ર છે આ આયોજન કરવાના અનેક હિતકારી કારણો છે, નવકાર મંત્રનો નિયમિત જાપ કરવાથી મન શાંત અને સ્થિર બને છે. ચિંતા, તણાવ અને ઉદાસીથી રાહત અને માનસિક શાંતિ આપે છે, પાપોનો નાશ થાય છે, પૂણ્ય વધે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં મંત્ર જાપથી આત્મજ્ઞાન મળે છે, લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે તથા સાચા માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે. એટલા માટે જ તો રોજિંદા જીવનમાં નવકાર મહામંત્રનું જૈન ધર્મમાં ખૂબ જ મહત્વ છે.
6000 સ્થળે લાઈવ પ્રસારણ
આ પાવન દિવસ પર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 25000થી વધુ લોકો જોડાશે. ભારત સહિત વિશ્વના વિવિધ.. દેશોમાંથી લાખોની સંખ્યામાં લોકો જોડાશે. આ ઉપરાંત 100થી વધુ અનુષ્ઠાન અને 6000થી વધુ દેરાસર અને સ્થાનક પર આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ દેરાસરો, ઉપાશ્રયો તથા વિવિધ જગ્યાએ કરાશે જેનો વિશ્વભરના લોકો લાભ લેશે. આ દિવસે મોટી સંખ્યામાં લોકો જોડાવા માટે ખૂબ આતુર છે. કેમ કે, આ આયોજન જાતીય બંધનોને તોડીને તમામ સમુદાયના લોકોને સાથે લાવશે અને એકતા તેમજ સદભાવનાનો સંદેશ વિશ્વભરના લોકો સુધી પહોંચશે. આ આયોજન થકી જૈન સમાજ અને જીતો પરિવાર વિશ્વ કલ્યાણ્યના આ વિચારને જન જન સુધી પહોંચાડવાનું એક માધ્યમ બનશે.
