આજે તે અહેસાસ કરાવી દીધો કે હું તારા માટે કંઇ નથી
સુરતની 23 વર્ષિય મોડેલ અંજલિ વરમોરાનો આપઘાત, બે ઇન્સ્ટા.પોસ્ટે જગાવેલી ચર્ચા
વધુ એક મોડલે સુરતમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા મોડલે અંતિમ રીલમાં લખ્યું હતું કે આજે તે અહેસાસ કરાવી દીધો કે હું તારા માટે કંઇ નથી. આ બનાવની વિગત મુજબસુરતમાં રહેતી 23 વર્ષીય મોડલ અંજલિ વરમોરાએ 7 જૂનની મોડી રાત્રે 2 વાગ્યે પંખા સાથે દુપટ્ટો બાંધી ગાળાફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો.
આપઘાતના એક દિવસ પહેલા મોડેલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં બે રીલ પોસ્ટ કરી હતી. જેમાં બધા જ વયા ગયા હોત તો વાંધો ન હોતો પણ, વહાલા હતા ઇ વયા ગયા ને ઇ ખટકે છે ના લખાણ સાથેની રીલ પોસ્ટ કરી હતી. જ્યારે અંતિમ પોસ્ટમાં આજે તે અહેસાસ કરાવી જ દીધો કે હું કંઇજ નથી તારા માટેનું લખાણ લખેલી રીલ પોસ્ટ કરવામાં આવી છે. જે રીલ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ મુકવામાં આવી છે. સુરતના નવસારી બજાર વિસ્તારમાં આવેલા કાર્તિક એપાર્ટમેન્ટમાં 23 વર્ષીય અંજલિ અલ્પેશભાઈ વરમોરા પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં માતા એક ભાઈ અને એક બહેન છે. અંજલિ મોડલ તરીકે અલગ અલગ કંપનીઓ સાથે કામ કરતી હતી. હાલ છેલ્લા થોડા મહિનાઓથી અંજલિ રેવન્યુ મોડલ કાસ્ટિંગ એજન્સી સાથે કામ કરી રહી હતી. તે દરમિયાન અંજલિએ મોડી રાત્રે બે વાગ્યા આસપાસ પોતાના રૂૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોને જાણ થતા દરવાજો ખખડાવવા છતાં દરવાજો ન ખોલતા તોડીને પ્રવેશ કરતા અંજલિ લટકતી હાલતમાં મળી આવી હતી.
દીકરીના આપઘાતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.23 વર્ષીય યુવતી અંજલિ વરમોરાએ ઘરે જ આપઘાત કરી લીધો હોવાની જાણ થતા અઠવા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સાથે જ અઠવા પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા. હાલ તો અંજલિના આપઘાતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. અંજલિ રેવન્યુ મોડલ કાસ્ટિંગ એજન્સી સાથે છેલ્લા થોડા મહિનાઓથી કામ કરી રહી હતી. જેના માટે તે સુરત અને અમદાવાદમાં કામ કરતી હતી. અંજલિની બે વર્ષ પહેલા સગાઈ થઈ ચૂકી હતી. પ્રાથમિક રીતે અંજલિએ માનસિક તણાવમાં આ આકરું પગલું ભરી લીધું હોવાની આ શંકા સેવવામાં આવી રહી છે. જોકે આ મામલે અઠવા પોલીસ વધુ તપાસ કરી રહી છે.