રાજકોટને ‘સેફ’ રાખવા ‘પોલીસ’ રસ્તા પર ઉતરી, ‘ગુંડાઓ’ ઘરમાં પુરાયા
પાનના ગલ્લે અને ચાની હોટલો પાસે બાઇક ટેકવીને પડયા પાર્થયા રહેતા લુખ્ખાઓને શાનમાં સમજી જવા પોલીસની ટકોર
3 દિવસમાં પોલીસની ટીમોએ 50 જેટલા શખ્સો છરી સહિતના હથિયારો સાથે પકડ્યા
રાજકોટ શહેરમા દિવાળીનાં તહેવારોથી જ ક્રાઇમ રેટ વધ્યો હતો . જેમા 6-6 હત્યાની ઘટના અને ત્યારબાદ મંગળા રોડ પર બે ગેંગ વચ્ચે સામસામી ફાયરીંગની ઘટના સામે આવતા લોકોમા ભયનો માહોલ ફેલાયો હતો. ત્યારબાદ પોલીસ કમિશનર બ્રજેશ ઝા ની સુચનાથી રાજકોટ શહેર પોલીસ એકશનમા આવી હતી અને રાજકોટમા ઠેર ઠેર રાત્રે અને વહેલી સવાર સુધી ચાલતી હોટલો રાત્રે 1ર વાગ્યે બંધ કરવા આદેશ આપવામા આવ્યો હતો અને શહેરનાં નાકે અને મુખ્ય માર્ગો પર બાઇક ટેકવીને બેઠેલા લુખ્ખા તત્વોને કાયદાનાં પાઠ ભણાવવા અને તેમની સામે કડક કાર્યવાહી કરવા જણાવાયુ હતુ.
ત્યારબાદ રાજકોટ ક્રાઇમ બ્રાંચ અને શહેરભરની પોલીસ દ્વારા ટીમો બનાવી સંવેદનશીલ વિસ્તારો અને ચા ની દુકાન અને પાનનાં ગલે પડયા પાર્થયા રહેતા લુખ્ખા તત્વોને પાઠ ભણાવવા પોલીસ ધોકા લઇ રસ્તા પર ઉતરી ગઇ હતી અને રાત્રે 1ર વાગ્યા પછી પણ ખુલ્લી રહેતી ચા ની દુકાનો, હોટલ અને પાનનાં ગલાઓ તેમજ નોનવેજની લારીઓ બંધ કરાવાઇ હતી. તેમજ શહેરનાં અમુક વિસ્તારોમા મોડી રાત સુધી પોલીસની ટીમો દ્વારા વાહન ચેકીંગ હાથ ધરાયુ હતુ અને કાળા ફીલ્મ વાળી કારમાથી કાળી ફીલ્મ દુર કરવામા આવી હતી.
ત્યારબાદ ઇંડા અને નોનવેજની લારીઓ પર તેમજ મુખ્ય માર્ગો પર બ્રેથએનેલાઇઝર વડે શંકાસ્પદ શખ્સોને ચેક કરવામા આવ્યા હતા તેમજ પોલીસમાથી મળતી માહીતી મુજબ છેલ્લા 3 દીવસથી રસ્તા પર વાહન ચેકીંગ કરતી અને કોમ્બીંગ કરતી પોલીસની ટીમો દ્વારા 3 દીવસ દરમ્યાન કુલ 50 જેટલા શખ્સોને છરી તેમજ હથીયારો સાથે ઝડપી કાર્યવાહી કરી હતી અને 30 થી વધુ લોકો પીધેલી હાલતમા પોલીસની ઝપટે ચડયા હતા. હજુ પણ આવનારા દીવસોમા પોલીસ દ્વારા મુખ્ય માર્ગો પર અને વિસ્તારોમા જઇ મોડી રાત સુધી પડયા પાર્થયા રહેતા આ લુખ્ખા તત્વોને કાયદાનાં પાઠ ભણાવશે તેવુ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે.
