તિરૂપતિનગરના રહીશોનું રસ્તા મુદ્દે ગ્રીનલેન્ડ ચોકડીએ ચક્કાજામ
ઈકો ગાડીવાળાઓ બેફામ ગાળો બોલતા હોય અમારી દીકરીઓને નીકળવું મુશ્કેલ બન્યું છે : મહિલાઓ રણચંડી બની
કુવાડવા રોડ પરની અનેક સોસાયટીઓના મંજૂર થયેલા કામો લાંબા સમયથી શરૂ ન થતાં હોવાની ફરિયાદ સાથે રામધૂન બોલાવતા પોલીસનો કાફલો દોડ્યો
રાજકોટની ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ કોર્પોરેશનનું અસ્તિત્વ નામશેષ થઈ ગયું હોય તેમ તમામ વિભાગની કામગીરી ઠપ થઈ ગઈ છે. તેમાં પણ બબ્બે મ્યુનિસિપલ કમિશનરોની બદલીઓ અને નિમણુંક થતાં આજ સુધી ગાડુ પાટે ચડ્યું નથી. જેના લીધે શહેરભરમાંથી ફરિયાદોનો ધોધ વહી રહ્યો છે. રોડ રસ્તા-પીવાનું પાણી, ડ્રેનેજ સહિતના મુદ્દે કાગારોળ મચી છે. ત્યારે જ કુવાડવા રોડ ઉપર ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ તિરુપતિ સોસાયટીના રહિશોએ આજે રોડ-રસ્તા તેમજ ટ્રાવેલ્સના વાહનોના ત્રાસ સામે ચક્કાજામ અને રામધૂન બોલાવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ભારે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. શહેરના ઈસ્ટઝોન વિસ્તારમાં કુવાડવા રોડ ઉપર ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ તિરુપતિ સોસાયટીના રહીશોએ આજે સવારથી ગ્રીનલેન્ડ ચોકડી પર ચક્કાજામ સર્જીદેતા વાહન વ્યવહારને માઠી અસર પહોંચી હતી. ઘટનાની જાણ થતાં મહાનગરપાલિકા અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
જ્યાં તિરુપતિનગરની મહિલાઓએ આક્રોશ સાથે રજૂઆત કરી જણાવેલ કે, આ વિસ્તારમાં વર્ષોથી પાયાની સુવિધાઓ મળી નથી. સમયસર પાણી ન આવતું હોવાની સાથો સાથ આ વિસ્તારની સેરીોમાં રોડ રસ્તાના આજ સુધી ઠેકાણા નથી. ચૂંટણી સમયે ચાંદ-તારા દેખાડી નેતાઓ દ્વારા રોડ રસ્તા સહિતના કામો થઈ જસે તેવુ જણાવવામાં આવે છે. પરંતુછેલ્લા ઘણા સમયથી અમારા પુરુષો દ્વારા રોડ રસ્તા સહિતના મુદ્દે અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં આજ સુધી કોઈજાતની કામગીરી કરવામાં આવી નથી. મહિલાઓએ રસ્તો જામ કરી જણાવેલ કે, આજે ના છુટકે અમારે આ પગલું ભરવું પડ્યું છે. છતાં મહાનગરપાલિકાના એક પણ અધિકારીઓ અહીં ફરક્યા નથી તેવી જ રીતે મત માંગવા આવતા કોર્પોરેટરોને જાણ હોવા છતાં અમારી વેદના સાંભળવા દેખાયા નથી.
રોડ રસ્તા બનાવવા માટે તૈયારીઓ પણ કરવામાં આવેલ પરંતુ આજ સુધી કામ શરૂ થયું નથી. તેવી જ રીતે સોસાયટીના કોર્નર ઉપર ઉભા રહેતા ટ્રાવેલ્સના ઈકો કાર ચાલક દ્વારા સવારથી રાત સુધી ડેરાતંબુ તાણી અપશબ્દો બોલવામાં આવતા હોય છે. જેના લીધે સોસાયટીની બહેન-દિકરીઓને ત્યાંથી નિકળવું મુશ્કેલ બન્યું છે. આ મુદ્દે પોલીસ વિભાગ દ્વારા પણ ગેરકાયદેસર રોડના કાંઠે ઉભા રહેતા ઈકો ચાલક વિરુદ્ધ પણ કાર્યવાહી કરવી જોઈએ આજે ખાસ કરીને તિરુપતિ સોસાયટીની બહેનોએ રોડ બંધ કરી રામધૂન બોલાવતા પોલીસ વિભાગ અને વિજિલન્સે ભારે સમજાવટના અંતે મામલો થાળે પાડ્યો હતો.
આખા રાજકોટમાં એ જ દશા
તિરુપતિ સોસાયટીમાં રોડ મુદ્દે આજે મહિાલઓએ ચક્કાજામ કર્યો હતો. ત્યારે આખા રાજકોટમાં પણ ડીઆઈપાઈપલાઈન નાખવાની કામગીરી માટે રોડ અને તમામ શેરીઓ ખોદી નાખવામાં આવી છે. જે પૈકી ધનાઢ્ય વિસ્તારોમાં ઝડપથી પેચવર્ક કામ કરવામાં આવી રહ્યું છે. જ્યારે મધ્યમવર્ગીય વિસ્તારોમાં શેરીઓમાં આજે પણ રોડ રસ્તા તોડી ખાડા કરેલા હોય લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કરોડોના ખર્ચે પેચવર્કનું કામ આપવામાં આવ્યું છે. છતાં ચોમાસુ નજીક હોવાથી ઝડપી કામ કરવાના બદલે ગોકળગાયની ગતિએ કામ ચાલતુ હોવાની અનેક વિસ્તારોમાંથી ફરિયાદ ઉઠી છે. જેના લીધો કોર્પોરેશનની કામગીરી ઠપ થઈ ગી હોવાનું સૌકોઈ કહી રહ્યા છે.