રાજકોટમાં એકલવાયા જીવનથી કંટાળી વેપારીએ પુલ પરથી પડતું મૂકી કર્યો આપઘાત
આધેડને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયા પણ જીવ ન બચ્યો
રાજકોટમા આત્મહત્યા અને આપઘાતનાં પ્રયાસોની ઘટનાઓમા દીન બદીન વધારો જોવા મળી રહયો છે. ત્યારે વધુ એક બનાવમા રાજકોટમા આવેલા માધાપર ગામે રહેતા વેપારીએ એકલવાયા જીવનથી કંટાળી બેડી ચોકડી નજીક પુલ પરથી પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. આધેડનાં મોતથી પરીવારમા અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા આવેલા માધાપર ગામે રહેતા નૈમિષભાઇ નરેન્દ્રભાઇ માવાણી નામનાં પ0 વર્ષનાં આધેડ રાત્રીનાં દસેક વાગ્યાનાં અરસામા માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચે આવેલા પુલ પર હતા. ત્યારે પુલ પરથી પડતુ મુકયુ હતુ. આધેડને બેભાન હાલતમા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. જયા આધેડની સારવાર કારગત નિવડે તે પુર્વે જ ફરજ પરનાં તબીબે જોઇ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. આ ઘટના અંગે સિવીલ હોસ્પીટલ પોલીસ ચોકીનાં સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવીલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યો હતો.
પોલીસે જરૂરી કાર્યવાહી કરી આધેડનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડીકલ કોલેજ ખાતે ખસેડયો હતો.પ્રાથમીક પુછપરછમા મૃતક નૈમિષભાઇ માવાણી બે ભાઇ બે બહેનમા મોટા હતા. અને કટલેરીનો ધંધો કરતા હતા. છુટાછેડા બાદ એકલવાયા જીવનથી કંટાળી પુલ પરથી પડતુ મુકી આપઘાત કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગ ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.