ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડના ત્રાસથી કંટાળી ધો.11ની છાત્રાનો એસિડ પી આપઘાત
માળિયા હાટીનાના કાલીભંડાની ઘટના: બીભત્સ ફોટા મોકલી તું મને કયારે મળવા આવશે તેવા મેસેજ કરી ધમકી આપતા સગીરાએ પગલું ભર્યાનો આરોપ
માળીયાહાટીનાના કાલીભંડા ગામે રહેતી અને ધો.11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીને ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ બિભત્સ ફોટા મોકલી તું મને ક્યારે મળવા આવેશ તેવા મેસેજ કરી ધમકી આપતો હોવાથી કંટાળી સગીરાએ એસિડ પી આપઘાત કરી લીધો હતો. સગીરાના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માળિયા હાટીના તાલુકાના કાલીભંડા ગામે રહેતી યશવંતીબેન નયનભાઈ સોલંકી નામની 15 વર્ષની સગીરા બે દિવસ પૂર્વે પોતાના ઘરે હતી ત્યારે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં એસિડ પી લીધું હતું. સગીરાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે જુનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સગીરાનુ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછ મૃતક યશવંતીબેન સોલંકી એકના એક ભાઈની એકની એક બહેન હતી અને ધો.11 માં અભ્યાસ કરતી હતી. યશવંતીબેન સોલંકીએ તેની માતા રસીલાબેનના મોબાઇલમાં ઇન્સ્ટા આઈડી બનાવ્યું હતું જે ઇન્સ્ટાગ્રામમાં એક યુવાન બીભત્સ ફોટા મોકલી તું મને ક્યારે મળવા આવેશ તેમ કહી ધાક ધમકી આપતો હોવાથી યશવંતીબેન સોલંકીએ આત્મઘાતી પગલું ભર્યું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.