આર્થિક ભીંસથી કંટાળી ઈમીટેશનના વેપારીનો ગળાફાંસો ખાઈ આપઘાત
શહેરમાં કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતા ઈમીટેશનના વેપારીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. મૃતક યુવાને આર્થિક ભીંસથી કંટાળી આ પગલું ભરી લીધાનું ખુલવા પામ્યું છે. આ અંગે આજી ડેમ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે આવેલા નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતાં રવિભાઈ જેન્તીલાલ પાલા (ઉ.44) નામના સોની યુવાને આજે સવારે પોતાના ઘરે પંખા સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
108ના સ્ટાફે મૃત જાહેર કરી પોલીસને જાણ કરતાં આજી ડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં મૃતક રવિભાઈ બે ભાઈ એક બહેનમાં વચેટ અને ઈમીટેશનનો વેપાર કરતાં હતાં તેમના અગાઉ લગ્ન થયા હતાં. પરંતુ બાદમાં છુટાછેડા થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, આર્થિક ભીંસથી કંટાળી તેમણે આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. આ અંગે આજી ડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લલેખનીય છે કે થોડા દિવસો પહેલા વ્યાજખોરોની ધમકી અને આર્થિક ભીંસને કારણે કોઠારિયા ગામમાં રહેતા કારખાનેદારે ઝેરી પાવડર પી લઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં આજીડેમ પોલીસે હજુ સુધી વ્યાજખોરો વિરૂધ્ધ કાર્યવાહી કરી નથી.
શહેરમાં આર્થિક ભીંસથી કંટાળી અવારનવાર આપઘાતના બનાવો વધી રહ્યાં છે. લોકોને જીવન જીવવાની પધ્ધતિ અને વ્યાજખોરોની ચુંગાલમાં આવી જતાં દેણુ થઈ જતાં જીવન ટૂંકાવી લીધાના બનાવો વધી રહ્યાં છે ત્યારે આર્થિક ભીંસથી કંટાળી વધુ એક યુવાને આપઘાત કરી લેતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.