લાલપરીમાં ગૃહકલેશથી કંટાળી પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી
રેલનગરમાં મહિલા અને ગાંધી વસાહતમાં વૃદ્ધે જ્વલનશીલ પ્રવાહી પીધું
શહેરમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા લાલપરીમાં રહેતી પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા લાલપરીમાં રહેતી કિરણબેન રમેશભાઈ વાઘેલા નામની 40 વર્ષની પરિણીતા બપોરના સમયે પોતાના ઘરે હતી ત્યારે ઝેરી પાવડર પી લીધો હતો. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
આ ઉપરાંત અન્ય બનાવમાં રેલનગરમાં આવેલ સાધુવાસવાણી કુંજ રોડ ઉપર રહેતી સંજનાબેન રાકેશભાઈ નામની 40 વર્ષની પરિણીતાએ કોઈ અકળ કારણસર ઊંઘની વધુ પડતી ગોળીઓ પી લીધી હતી. જ્યારે મોરબી રોડ પર ગાંધી વસાહતમાં રહેતા કરીમભાઇ ઉમરભાઈ કારવા નામના 60 વર્ષના વૃદ્ધે કોઈ અગમ્ય કારણસર ડીઝલ પી લીધું હતું. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.