વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કારખાનેદારનો આપઘાત
રાજકોટના કોઠારિયા ગામે ઘર પાસે રોડ ઉપર ઝેરી પાવડર પી લઇ પુત્રને ફોન કર્યો
વ્યાજના ચક્કરમાં દોઢ મહિનાથી હીરાનું કારખાનુ પણ છ મહિનાથી બંધ હતું
રાજકોટ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસને દિવસે વધતો જાય છે. રાજકોટ પોલીસ કમિશનર દ્વારા વ્યાજખોરો વિરૂધ્ધ ઝૂંબેશ ચલાવવા માટે લોક દરબારનું આયોજન પણ કરવામાં આવ્યુ હતું. આમ છતા પણ વ્યાજખોરો દ્વારા અપાતો ત્રાસ સામે આવી રહ્યો છે. રાજકોટ શહેરના કોઠારીયા ગામમાં રહેતા અને હિરાનુ કારખાનુ ધરાવતા કારખાને દારે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઇ પોતાના ઘર નજીક પાનની દુકાન પાસે ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી જતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. આ બનાવ અંગે આજીડેમ પોલીસે કાગળો કર્યા હતા. તેમજ વ્યાજખોરો સામે ગુનો નોંધવા માટે મૃતકના મોબાઇલના કોલ ડિટેઇલની તપાસ કરવામાં આવી રહી છે.
વધુ વિગતો મુજબ કોઠારીયા ગામની આવેલા શાનદાર રેસીડેન્સીમાં રહેતા રાજેશભાઇ બાબુભાઇ મારકણા (પટેલ) (ઉ.વ.46)નામના આધેડ ગત તા.26/11ના રોજ પોતાના ઘરે પાસે આવેલા ગોરધન પાન પાસે હતા ત્યારે તેમણે ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી લીધો અને તેમને સારવાર માટે ઓમનગર સર્કલ પાસે આવેલી મેડિકેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જયા ચાલુ સારવાર દરમિયાન તેઓનું મોડી રાત્રે મોત નિપજતા આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલો આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ એચે.એમ.ધરજીયા અને સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મૃતકને હૂકડો ચોકડી પાસે હિરાનુ કારખાનુ આવેલુ છે. જે છેલ્લા છ માસથી બંધ હાલતમાં છે. તેમજ રાજેશભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યુ હતું કે, રાજેશભાઇએ ઝેરી પાવડર પી બાદ તેમના પુત્રને ફોન કરી જાણ કરી હતી કે, વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને ધમકીઓથી કંટાળી આ પગલું ભર્યુ છે. આજીડેમ પોલીસે બનાવ અંગે મૃતકના મોબાઇલના કોલ ડિટેઇલ પરથી વ્યાજખોરો વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે. તેમજ રાજેશભાઇ મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.
આ ઘટના અંગે આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી.જાડેજાની રાહબરીમાં હેડકોન્સ્ટેબલ ધરજીયા અને સ્ટાફે મૃતકના મોબાઇલની કોલ ડિટેઇલના આધારે તપાસ શરૂ કરી છે. હાલ મૃતકનો પરિવાર ધાર્મિક વિધિમાં હોય આ વિધિ પૂરી થયા બાદ પરિવારજનોના નિવેદન લઇ વ્યાજખોરો સામે ગુનો નોંધવા તજવીજ શરૂ કરાશે.