રાજકોટમાં કાલે તિરંગા યાત્રા, રાષ્ટ્રભક્તિનો માહોલ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સી.આર. પાટીલ, રાઘવજી પટેલ, હર્ષ સંઘવી, ભાનુબેન બાબરિયા સહિતના નેતાઓ રહેશે હાજર
બહુમાળીભવન ચોકથી જયુબિલી ચોક સુધી તિરંગા સુશોભન, પોલીસ તંત્ર દ્વારા તિરંગાનું વિતરણ, ઘરો ઉપર પણ ફરકાવાયા તિરંગા, કાલની યાત્રામાં જોડાવા શહેરીજનોને ભાજપનું આહવાન
સ્વાતંત્ર્ય પવની ઉજવણી પૂર્વે આવતી કાલ તા.10 ઓગસ્ટના રોજ રાજકોટ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.જે.પી.નડ્ડા તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તિરંગાની ‘આન, બાન અને શાન’ થીમ સાથે તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવનાર છે.
આ પૂર્વે રાજકોટમાં તિરંગાનો રંગ ઘુંટાયો હોય તેમ ઠેર ઠેર તિરંગા વાતાવરણ સર્જાયું છે. શહેરના રીંગ રોડ સહિતના વિસ્તારોમાં તિરંગા સુશોભનો કરાયા છે અને ઠેર ઠેર તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ભાજપના ઉપાધ્યક્ષ ડો.બોઘરાએ જણાવેલ કે, આ પ્રસંગે ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘલી, કેબીનેટ મંત્રીઓ રાઘવજી પટેલ, ભાનુબેન બાબરીયા, ધારાસભ્યો, કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહેશે.
સવારે 9 વાગ્યે રેસકોર્ષ બહુમાળી ભવન ચોકથી તિરંગા યાત્રાનો પ્રારંભ થશે અને જયુબિલી ગાર્ડન પાસે ગાંધીજીની પ્રતિમા સુધી પહોંચશે.
તેમણે રાજકોટવાસીઓને આ તિરંગા યાત્રામાં જોડાવા આહવાન કર્યુ હતું અને એકાદ લાખની સંખ્યામાં લોકો જોડાશે તેવું જણાવ્યું હતું. તિરંગા યાત્રામાં દેશ ભક્તિના ગીતો, સ્લોગનો સહિત રાષ્ટ્રભક્તિના કાર્યક્રમો પણ યોજાશે. ભારતના ભવ્ય ઐતિહાસિક વારસાની પણ ઝાંખી કરાવાશે અને લોકોમાં રાષ્ટ્રીય ભાવના વધુ મજબૂત થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. રાજકોટ શહેરમાં તિરંગા યાત્રાને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો પોતાના ઘર ઉપર રાષ્ટ્રભક્તિના પ્રતિક સમાન તિરંગા ફરકાવી રહ્યાં છે. શહેરના બહુમાળી ભવન ચોકથી જયુબેલી ગાર્ડન ચોક સુધીના તિરંગા યાત્રાના રૂટ ઉપર ઠેર ઠેર તિરંગા સુશોભન કરાયું છે.
આજે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્યો ઉદય કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો.દર્શિતા શાહ વિગેરેએ પત્રકાર પરિષદ યોજી વધુને વધુ સંખ્યામાં શહેરીજનો આ યાત્રામાં જોડાય તેવી અપીલ કરી હતી.
જનતાને હર ઘર તિરંગા યાત્રામાં જોડાવા આહવાન કરતાં ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા
15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આવતીકાલ 10મી ઓગસ્ટે રાજકોટ ખાતેથી ભવ્યાતિત તિરંગા યાત્રા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ‘તિરંગાની આન, બાન અને શાન’થીમ સાથે આ યાત્રાનો પ્રારંભ કરાવશે. દેશની એકતા, અંખડિતતા અને એક ભારત, શ્રેષ્ઠ ભારતના પ્રતિક તિરંગાને દેશના તમામ ઘરોમાં લહેરાવવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા આહવાનને ઝીલી લઈને રાજ્યના એક કરોડ ઘરો પર તિરંગો લહેરાવવા રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે ત્યારે રાજકોટના તમામ નાગરિકો ઘર પર તિરંગો લહેરાવે અને રાષ્ટ્રભાવનાના આ યજ્ઞમાં ઉત્સાહભેર જોડાઈને મા ભારતીનું ગૌરવ વધારે એવી અપેક્ષા સાથે આ તિરંગા યાત્રાથી રાજકોટવાસીઓ દેશભક્તિના રંગે રંગાય, અને તેમનામાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવના વિકસે તે પ્રકારે સમગ્ર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં જોડાય તેવી અપીલ કરી છે.