RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટે 30 માર્ચ સુધી સમય લંબાવાયો
- ઓનલાઇન અરજી કરવાની મુદત વધારાઇ
રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ (RTE) અંતર્ગત પ્રવેશ મેળવવા માંગતા બાળકના વાલીઓ માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં પ્રવેશ પ્રક્રિયાનો સમયગાળો લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે વાલીઓ આગામી 30 માર્ચ સુધી ફોર્મ ભરી શકશે.
RTE ACT-2009ની કલમ 12.1 (ઈ) હેઠળ નબળા અને વંચિત જૂથનાં બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષ 2024-25ના જૂન માસથી શરૂ થતા નવા સત્ર અન્વયે ધોરણ-1માં વિનામુલ્યે પ્રવેશ ફાળવવાની કાર્યવાહી અંતર્ગત https://rte.orpgujarat.com/ પર ઓનલાઈન અરજી કરવા અર્થે નિયામક, પ્રાથમિક શિક્ષણની કચેરી દ્વારા ગત 5 માર્ચના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેમાં અરજી કરવા માટે 14 માર્ચથી 26 માર્ચ સુધી એમ 13 દિવસનો જ સમય આપવામાં આવ્યો હતો.
જો કે આ સમયગાળા દરમિયાન જાહેર રજા આવતી હોવાના કારણે અરજદારોને આવકનો દાખલો, જાતિનો દાખલો સહિતના ડોક્યૂમેન્ટ મેળવવામાં વિલંબ થતો હોવા સંદર્ભે રજૂઆતો મળી હતી.
જેને ધ્યાનમાં રાખીને RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે ઑનલાઈન અરજી કરવાનો સમય લંબાવીને 30 માર્ચ, 2024 રાતે 12 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. આથી 27 માર્ચ થી 30 માર્ચ દરમિયાન પ્રવેશ મેળવવા ઈચ્છુક અરજદારો ઑનલાઈન વેબ પોર્ટલ https://rte.orpgujarat.com/ પર અરજી કરી શકશે.