દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં ફરી વાઘ દેખાયો, ફોરેસ્ટ વિભાગની સતત વોચ
મધ્યપ્રદેશમાંથી 650 કિ.મી.નું અંતર કાપી ગુજરાત પહોંચ્યાનું અનુમાન
દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં એક વાઘ વસવાટ કરી રહ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વનવિભાગના કર્મીઓને ચારેક મહિના અગાઉ વાઘ જેવા પ્રાણીના પગમાર્ક જંગલમાં જણાયા હતા અને એ પછી ટ્રેપ કેમેરા ગોઠવીને વાઘ હોવાનું ક્ધફર્મ થતાં એની ઉપર સતત 24 કલાક ચાંપતી નજર રખાઈ રહી છે. એને ખોરાક તથા પાણી નજીકમાં સરળતાથી મળી રહે તેની પણ કાળજી લેવાઈ રહી છે.
મધ્ય પ્રદેશમાં પેન્ચ નેશનલ પાર્ક અને વાઘ અભયારણ્ય શિવની અને છિંદવાડા જિલ્લામાં પથરાયેલા છે, જે દાહોદ જિલ્લાથી લગભગ 650 કિલોમીટર દૂર આવેલા છે, તો શું બારિયામાં દેખાયેલો વાઘ આટલું લાંબુ અંતર કાપીને આવ્યો હશે તેની ચર્ચા થઈ રહી છે. મધ્ય પ્રદેશના ઈન્દોર-ઝાબુઆ વચ્ચેના જંગલ વિસ્તારમાંથી આ વાઘ અહીં આવ્યો હોવાનું અનુમાન થઈ રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લે રાજ્યમાં 2019માં મહીસાગર જિલ્લામાં વાઘ દેખાયો હતો, એ વખતે મોબાઈલથી તેની તસવીર લેવાઈ હતી. જેની વન વિભાગે પુષ્ટિ કરી હતી. એ અગાઉ 1985માં ડાંગ જિલ્લાના દક્ષિણ ભાગમાં એક વાઘ દેખાયો હતો. દાયકાઓ પહેલા રાજ્યના વલસાડથી લઈને અંબાજી સુધીના ટ્રાઇબલ પટ્ટાના જંગલોમાં વાઘ વિચરતા હોવાનો ઇતિહાસ છે અને અમદાવાદ શહેરની હદમાં વાઘ પ્રવેશી જતા હતા અને ઉત્તર ગુજરાતના બાલારામ વન વિસ્તારમાં તો કેટલીય વાર વાઘ દેખાયાનો વનવિભાગના દસ્તાવેજોમાં ઉલ્લેખ થયેલો છે.