લોકમેળામાં રાઇડ્સના ટિકિટ દરમાં રૂા.5નો વધારો
ધંધાર્થીઓની માંગણી તંત્રએ સ્વીકારતા બપોર બાદ હરરાજી શરૂ
સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારીઓ રાજકોટમાં શરૂૂ થઈ ચૂકી છે. આજે મેળા સમિતિ દ્વારા ચકેડીઓ, ખાણી-પીણીના સ્ટોલ અને રાઈડ્સની ફાળવણી માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ વર્ષે મેળામાં કેટલીક નવી બાબતો જોવા મળી રહી છે, જેમાં ટિકિટના દરમાં વધારો અને નાના રાઈડ્સ સંચાલકોની માંગણીઓ મુખ્ય છે.
ગઈકાલે મોટી રાઈડ્સના સંચાલકો દ્વારા ટિકિટના દરમાં પાંચ રૂૂપિયાનો વધારો કરવાની માંગ કરતા હરરાજી મોકૂફ રાખવામા આવી હતી. જોકે, કલેક્ટર દ્વારા સંચાલકોની આ માંગ સ્વીકારી લેવામાં આવતા હવે લોકમેળામાં રાઈડ્સની ટિકિટનો દર 45ને બદલે 50 રૂૂપિયા રહેશે. આ નિર્ણય બાદ આજે બપોર બાદ મોટી રાઈડ્સની હરાજી શરૂ કરાઇ હતી.
આજે નાની અને મધ્યમ કદની ચકેડીઓ તેમજ ખાણી-પીણીના સ્ટોલની હરાજી થઈ હતી. જેમાં 18 જેટલી ચકેડી અને 3 જેટલી મધ્યમ ચકેડી માટે પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, જ્યારે ખાણી-પીણી માટે 18 સ્ટોલનો સમાવેશ થયો હતો.
જોકે નાની અને મધ્યમ ચકેડી સંચાલકોમાં નારાજગી જોવા મળી હતી. આ વર્ષે કુલ 157 ફોર્મ ભરાયા હોવા છતાં તંત્ર દ્વારા માત્ર 18 પ્લોટ જ ફાળવવામાં આવ્યા છે. ગત વર્ષે 52 પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, જેની સામે આ વર્ષે ભારે ઘટાડો જોવા મળ્યો છે. સંચાલકોએ એવી માંગ કરી છે કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ વધુ પ્લોટ ફાળવવામાં આવે જેથી સૌને તક મળી રહે.
આઇસ્ક્રીમના ચોકઠાના 4.50 લાખ, મોટી રાઇડ્સનું ભાડુ 4.20 લાખ
રાજકોટના લોકમેળામાં આઇસ્ક્રીમના ચોકઠાનું 5 દિવસનું ભાડું સૌથી વધુ રૂૂ. 4,50,000 છે. જ્યારે 50*80ની સૌથી મોટી રાઇડનું ભાડું રૂૂ. 4,20,000 છે. ગત વર્ષની તુલનામાં આ વખતે રમકડાના સ્ટોલમાં 20નો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે યાંત્રિક રાઈડમાં 1 ઘટાડી દેવામાં આવી છે. જેમાં પણ 45*70ની એફ કેટેગરીની યાંત્રિકરાઈડમાં 4નો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના પરથી એવું લાગી રહ્યું છે કે છેલ્લી ઘડીએ તમામ રાઈડ ધારકો રાઈડ રાખવાની ના પાડી દે તો તે જગ્યા પર પ્લોટ ફાળવણી કરવા માટે વહીવટી તંત્રની પૂર્વ તૈયારી હોવાનું જાણવા મળી રહ્યું છે.