હાપા-મુંબઇ દુરંતો એક્સપ્રેસમાં મોબાઇલ વગર ટિકિટ બુકીંગ બંધ
પશ્ચિમ રેલવે દ્વારા રેલવે બોર્ડના નિર્દેશ અનુસાર તત્કાલ બુકિંગ સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કરવામાં આવી રહ્યો છે. હવે તત્કાલ ટિકીટ માત્ર સિસ્ટમ દ્વારા મોકલવામાં આવેલા વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) ના વેરિફીકેશન બાદ જ જારી કરવામાં આવશે. આ ઓટીપી તે મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે, જે પ્રવાસી બુકિંગ સમયે આપશે. ઓટીપીનું સફળ સત્યાપન થયા બાદ જ ટિકિટ આપવામાં આવશે.
આ ઓટીપી આધારિત તત્કાલ ચકાસણી સિસ્ટમ શરૂૂઆતમાં ટ્રેન નંબર 12268/12267 હાપામુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ પર 05 ડિસેમ્બર, 2025 થી લાગુ કરવામાં આવશે. નવી સિસ્ટમ કમ્પ્યુટરાઈઝ્ડ PRS કાઉન્ટરો, અધિકૃત એજન્ટો, IRCTC વેબસાઇટ તથા IRCTC મોબાઇલ એપ દ્વારા થતી તમામ તત્કાલ બુકિંગ પર લાગુ થશે. આ બદલાવનો હેતુ તત્કાલ બુકિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો અને વાસ્તવિક મુસાફરોને તત્કાલ ટિકિટ મેળવવામાં વધુ સગવડ પહોંચાડવાનો છે. રેલવેએ મુસાફરોને તેમના માન્ય મોબાઇલ નંબર આપવા અનુરોધ કર્યો છે. જેથી ઓટીપી વેરિફીકેશન પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે.