રાજકોટમાં મધરાત્રે તોફાની પવન સાથે માવઠાની તડાફડી
અમુક વિસ્તારોમાં મંડપ-સમિયાણા ઉડ્યા, શ્રોફ રોડ ઉપર વૃક્ષ ધરાશાયી, અમુક સ્થળે વીજ પુરવઠો ખોરવાયો
શહેરના પૂર્વ અને પશ્ર્ચિમમાં અડધો ઈંચ વરસાદ પડી જતાં રસ્તા ઉપર પાણી વહેવા લાગ્યા, સેન્ટ્રલ ઝોનમાં 4.5 મી.મી. વરસાદ
રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા 8-10 દિવસથી અસહ્ય ગરમી વચ્ચે છેલ્લા બે દિવસથી ભારે ઉકળાટ બાદ ગઈકાલે બપોરથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગઈકાલે સોમવારે બપોરે ત્રણથી ચાર વાગ્યા વચ્ચે કડાકા-ભડાકા વચ્ચે કમોસમી વરસાદના છુટાછવાયા ઝાપટા પડ્યા હતા જ્યારે રાત્રે 11 વાગ્યા બાદ ફરી મોસમે મુડ બદલ્યો હતો અને રાત્રે દોઢેક કલાક સુધી વીજળીના ચમકારા, કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે કમોસમી વરસાદ ત્રાટકતા કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જ્યારે શ્રોફરોડ ઉફર વૃક્ષ તુટી પડ્યું હતું.
રાત્રે વિજળીના કડાકા-ભડાકાના કારણે બિહામણા દ્રશ્યો સર્જાયા હતાં. વાવાઝોડા સાથે રાત્રે એક વાગ્યા સુધીમાં શહેરના વેસ્ટઝોન અને ઈસ્ટઝોનમાં 12 મીમી (અડધો ઈંચ) વરસાદ નોંધાયો હતો. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 4.5 મીમી વરસાદ નોંધાયો હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્યું હતું વરસાદના કારણે રસ્તાઓ ઉપર પાણી વહેવા લાગ્યા હતાં. ચાલુ સિઝનના પ્રથમ કમોસમી વરસાદ અને મીની વાવાઝોડા વચ્ચે પણ કોઈ સ્થળે ખાસ નુક્શાનીના અહેવાલો નથી. માત્ર એક સ્થળે વૃક્ષ ધસી પડ્યું હતું. અને અમુક વિસ્તારોમાં થોડો સમય માટે વીજ પુરવઠો ખોરવાયો હતો. આ સિવાય અમુક સ્થળે લગ્નના સમિયાણા પણ ઉડ્યા હતાં. જો કે, સદનશીબે કોઈ મોટી નુક્શાની કે જાનહાનીના અહેવાલો નથી.
શહેરમાં 280 અને સૌરાષ્ટ્રમાં વીજળી ગુલ થવાની 497 ફરિયાદ
પીજીવીસીએલની સત્તાવાર યાદી જણાવે છે કે, ગઈ કાલે બપોર પછી સૌરાષ્ટ્રમાં તોફાની પવન સાથે આવેલ વરસાદને પીજીવીસીએલ ના ફોલ્ટ સેન્ટર માં સૌરાષ્ટ્ર- કચ્છની વીજ વિક્ષેપ અંગેની કુલ 497 ફરિયાદો જ્યારે રાજકોટ શહેરની 280 ફરિયાદો નોંધાયેલ. રાજકોટ એચ. ટી. 1 સબ ડિવિઝન હેઠળ નવદુર્ગા, ભક્તિનગર, ગીતાંજલી, નંદા હોલ, મોરબી રોડ, માર્કેટિંગ યાર્ડ, ભગવતીપરા, અમીધારા, ઉદ્યોગનગર, પરા બજાર ફીડર.... એચ.ટી. 2 સબ ડિવિઝન હેઠળ જછઙ, ઓડિટોરિયમ, ગાયકવાડી, વર્ધમાન, રત્નમ, ગાંધીગ્રામ, શ્રી કોલોની, શાસ્ત્રી નગર ફીડર તેમજ એચ.ટી. 3 સબ ડિવિઝન હેઠળ ખોખડદળ, એવરેસ્ટ, એકયુરેટ, વાવડી , મુરલીધર, કેસર, સહજાનંદ, નટરાજ અને શાંતિવન ફીડર ટ્રીપ થયેલ / ફોલ્ટમાં આવેલ. પીજીવીસીએલની ટેકનીકલ ટીમો દ્વારા ફિલ્ડ પર હાજર રહી તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો પૂર્વરત કરી આપવાની કામગીરી હાથ ધરેલ છે.