વડોદરામાં ધોનીના કાફલા પાછળ ત્રણ યુવકોએ બાઇક દોડાવી, વીડિયો વાયરલ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને યુવા પેઢીના આઈડલ એમ.એસ. ધોનીની વડોદરા મુલાકાત દરમિયાન તેમની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લેવા માટે મનીષ પોલ અને હાસ્ય કલાકાર કિકુ શારદા સાથે આવેલા ધોનીના કાફલાનો કેટલાક યુવકોએ જીવ જોખમમાં મૂકીને બાઈક પર પીછો કર્યો હતો. બાઈક પર સવાર ત્રણ યુવકો દ્વારા કરાયેલ જોખમી હરકતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કાર્યક્રમ બાદ પરત આવી રહેલા ધોનીની કારને લઈ જતા કાફલા પાછળ ત્રણ યુવકોએ પૂરપાટ ઝડપે બાઇક દોડાવી હતી. આ યુવકો ધોનીની કારની બિલકુલ બાજુ સુધી પહોંચી ગયા હતા.
આ દરમિયાન, તેઓ બાઈક ચલાવતા સતત ધોની ભાઈ ધોની ભાઈની બૂમરાણ મચાવી હતી. માત્ર એટલું જ નહીં, ચાલુ બાઈક પર મોબાઇલ કાઢીને ધોનીનો તેમજ પોતાનો વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયો અનુસાર ધોનીએ પણ ફેન્સ તરફ હાથ હલાવી અભિવાદન આપ્યું હતું અને ત્યાર બાદ તેમની કારની લાઈટ બંધ કરી દીધી હતી. આ ઘટના દરમિયાન એમએસ ધોનીના કાફલામાં આગળ અને પાછળ પોલીસની પીસીઆર વાન પણ દોડી રહી હતી. પોલીસની વાન હોવા છતાં પણ આ ત્રણ બાઇક સવાર યુવકો ધોનીની કાર નજીક પહોંચી ગયા હતા. વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયા બાદ સેલિબ્રિટીઝની સુરક્ષા વ્યવસ્થાને લઇને અનેક પ્રકારની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં તેજ બની છે.
યુવકો દ્વારા જીવ જોખમમાં મુકી કરવામાં આવેલ આ સ્ટંટ માત્ર ટ્રાફિક નિયમનનો ભંગ જ નહીં પરંતુ સેલિબ્રિટીની સુરક્ષાને પડકારરૂૂપ છે. વાયરલ થયેલા આ વીડિયોએ ફેન્સની અતિઉત્સાહભરી હરકતો અને સુરક્ષા તંત્રની સજાગતાને લઈને ચર્ચા જાગી છે.