જામરાવલ-પાલિકામાં ત્રણ વખત ચૂંટાયેલા ભાજપ નેતા સહિતનાઓ કોંગ્રેસમાં જોડાયા
જાણીતા ખેડૂત નેતા પાલ આંબલિયા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ થતા ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે. ભાજપમાં 3 વર્ષથી ચૂંટાતા વાલા દુદા 1 કરોડથી વધુની રકમનો ભ્રષ્ટાચારનો આરોપ સાથે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. જામ રાવલ નગરપાલિકામાં ત્રણ વખત ચૂંટાયેલા નેતા સહિત અનેક કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ રાવલ શહેરમાં કોંગ્રેસ દ્વારા રાવલ બોલે છે નામનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભાજપ શાસિત રાવલ નગરપાલિકામાં ચાલતા કથિત ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો અને નગરપાલિકાના વહીવટમાં રહેલી ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં રાવલ પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત ભાજપના ઘણા વર્ષો જૂના કાર્યકર્તાઓ પણ પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા, જે આ કાર્યક્રમની સફળતાનો એક મુખ્ય ભાગ રહ્યો. ત્રણ વર્ષથી ચૂંટાતા વાલા દુદા પરમાર ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. જામ રાવલ ગામના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સંજયભાઈ મકવાણા કોંગ્રેસમાં જોડાયા છે. પાલ આંબલિયાએ આ પ્રસંગે કહ્યુ કે, 1 કરોડ થી વધુ ની રકમનો ભ્રષ્ટાચારના આરોપ સાથે આ નેતાઓ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે.
હજુ પણ અનેક ફેરફાર થવાની સંભાવના તેઓએ વ્યક્ત કરી. કોંગ્રેસે નગરપાલિકાના વહીવટમાં અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. જેમાં, શહેરના તમામ રોડના બાંધકામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ મુખ્ય હતો. આ ઉપરાંત, થાર વિસ્તારમાં બાળકો માટે હાઈસ્કૂલની સુવિધાનો અભાવ અને ગટર વ્યવસ્થામાં થયેલા છબરડાઓ પણ મુદ્દાઓ તરીકે ઉઠાવવામાં આવ્યા હતા. આ મુદ્દાઓ દ્વારા કોંગ્રેસે સ્થાનિક લોકોની મૂળભૂત જરૂૂરિયાતોની અવગણના અને બેદરકારી સામે અવાજ ઉઠાવ્યો હતો. રાવલ બોલે છે કાર્યક્રમનું આયોજન જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાવલના નાગરિકોને સાથે રાખીને નગરપાલિકા અને સરકારને ભ્રષ્ટાચારનો અરીસો બતાવવાનો હતો.