શિક્ષકે ઠપકો આપતા ત્રણ છાત્રો જૂનાગઢ ભાગી ગયા
રાજકોટની ધોળકિયા સ્કૂલમાં પાંચ કલાક ચાલ્યો હાઇવોલ્ટેજ ડ્રામા
વાલીઓના હોબાળા વચ્ચે જૂનાગઢ પોલીસે બાળકોને શોધી લેતા રાહત
રાજકોટના બાલાજી હોલ નજીક આવેલી ધોળકિયા સ્કૂલમાંથી ધોરણ-8માં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ ગઈકાલે રહસ્યમય રીતે ગુમ થઈ થતા ચકચાર મચી હતી અને ઘટનાને પગલે વાલીઓએ શાળાએ પહોંચી હંગામો મચાવ્યો હતો અને શાળા સંચાલકો પર બેદરકારીનો આરોપ મૂક્યો હતો.જોકે હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ત્રણેય બાળકો જૂનાગઢથી હેમખેમ મળ્યા હતા.
સ્કુલમાં તોફાન કરતા પકડાયેલ ત્રણેય વિધાર્થીને ક્લાસની બહાર બેસાડવામાં આવ્યા હતા અને વાલીને સ્કુલે બોલાવવાની વાત શિક્ષકે કરતા ત્રણેય ગભરાઈ ગયા અને સ્કુલના ગેઇટ ઉપર સિક્યુરિટીની ગેરહાજરીમાં ભાર નીકળી અને રાજકોટથી જૂનાગઢ પહોચી ગયા હતા. શાળા સંચાલકોએ બાળકો ગુમ થયાની જાણ થતાં જ તાલુકા પોલીસમાં અરજી આપી હતી. જોકે ત્રણેય હેમખેમ મળી આવ્યા હોય પરિવાર અને સ્કુલ સંચાલકોને હાશકારો થયો હતો.
મળતી માહિતી મુજબ રાજકોટની ધોળકિયા સ્કૂલમાં ધોરણ-8માં અભ્યાસ કરતા ગુજરાતી માધ્યમના ત્રણ વિદ્યાર્થી વર્ગમાં તોફાન કરતા હોવાથી તેમને શિક્ષકે ક્લાસની બહાર બેસાડ્યા હતા અને વાલીને મળવા માટે સ્કૂલે બોલાવ્યા હતા.આ દરમિયાન બાળકો બીકના માર્યા સાંજે 4 કલાકની આસપાસ આ ત્રણેય વિદ્યાર્થીઓ ચાલુ શાળાએથી સ્કુલના ગેઇટ ઉપર સિક્યુરિટીની ગેરહાજરીમાં બહાર નીકળી ગયા હતા. શાળા સંચાલકોએ બાળકો ગુમ થયાની જાણ થતાં જ તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી.
બીજી તરફ, વાલીઓએ પણ બાળકોની ભાળ મેળવવા માટે પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. દરમિયાન રાત્રે આશરે 9.30 વાગ્યા આસપાસ ત્રણેય બાળકો જૂનાગઢથી હેમખેમ મળી આવ્યા હતા. જૂનાગઢ એસ.ટી. કંટ્રોલ દ્વારા ત્રણેય બાળકોની ભાડ મેળવી હતી. ત્રણેય બાળકોને જૂનાગઢ એસ.ટી. કંટ્રોલમાં બેસાડી નાસ્તો કરાવાયો હતો અને તેમના પરિવારનો વિડીયો કોલથી ટેલીફોનીક સંપર્ક કર્યો હતો.
વિધાર્થીના પિતાને તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે જૂનાગઢ પોલીસને જાણ કર્યા બાદ જૂનાગઢ પોલીસ ત્રણેયને જેતપુર સુધી લાવી હતી અને જેતપુરથી રાજકોટ પોલીસ ત્રણેય બાળકોને રાજકોટ લઇ આવ્યા હતા અને વાલીઓને સોંપ્યા હતા.
ધોળકિયા સ્કૂલની ઘોર બેદરકારી, ગેઇટ ઉપર સિક્યુરિટીની ગેરહાજરી અને 4 વાગ્યાથી બાળકો ગુમ થવા છતાં 6 વાગે જાણ કરી
ધો.8ના ત્રણેય વિધાર્થીઓ તોફાન કરતા હોવા અંગે સ્કૂલેથી બુધવારે બપોરે 3 વાગ્યે વાલીઓને ફોન કરવામાં આવ્યા હતા અને મળવા બોલાવાયા હતા. વાલી સાંજે 5 વાગ્યે સ્કૂલે મળવા માટે પહોંચી ગયા હતા, પરંતુ સાંજે 5.30 કલાકે આખી સ્કૂલ છૂટી ગયા બાદ વાલીઓને છેક પોણા છ કે છ વાગ્યા આસપાસ જાણ કરવામાં આવી કે તમારા બાળકો 4 વાગ્યાથી ગુમ છે. શિક્ષકે ક્લાસની બહાર બેસાડ્યા બાદ સ્કૂલમાંથી ભાગી ગયાની ઘટના સામે આવી છે. મામલાની ગંભીરતા દાખવતા સ્કૂલે પોતે જ સીસીટીવી તપાસતા આ ત્રણેય વિદ્યાર્થી સરળતાથી સ્કૂલની બહાર નીકળી જતા દેખાય છે, પરંતુ સૌથી ગંભીર બાબત એ છે કે ચાલુ સ્કૂલે ત્રણેય બાળકો બહાર નીકળે છે અને એકપણ સિક્યોરિટી ગેઇટ ઉપર હાજર ન હોય જેથી ત્રણેય સરળતાથી બહાર નીકળી ગયા હતા.