મોરબીમાં મકાનમાં બ્લાસ્ટ થતાં ત્રણ વર્ષની બાળકી સહિત ત્રણ દાઝ્યા
મોરબીના દલવાડી સર્કલ નજીક રહેણાંક મકાનમાં આજે કોઈ કારણોસર બ્લાસ્ટ થયો હતો. પોલીસને પ્રાથમિક તપાસ અનુસાર વહેલી સવારે બેસ લીકેજ થવાના કારણે બ્લાસ્ટ થયો હોવાનુ અનુમાન છે. અચાનક જ બ્લાસ્ટ થતા ત્રણ વર્ષની બાળકી સહિત ત્રણ સભ્યો ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.
બનાવની મળતી માહિતી મુજબ મોરબી શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ ઉમા રેસીડેન્સી 2 ના એક રહેણાંક મકાનમાં બ્લાસ્ટની ઘટના બની હતી જે બ્લાસ્ટને પગલે ઘરમાં હાજર ક્રિષા કાનજી ગરચર (ઉ.વ.03) કાનજીભાઈ મગનભાઈ ગરચર (ઉ.વ.28) અને વૈશાલીબેન દેવાયતભાઈ ગરચર (ઉ.વ.24) એમ ત્રણ વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેથી ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાય હતા બાદમાં ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે બ્લાસ્ટ ક્યાં કારણોસર થયો તે હાલ સ્પષ્ટ થયું નથી બનાવને પગલે પોલીસ ટીમ દોડી ગઈ છે. અને પોલીસની પ્રાથમિક તપાસમાં ગેસ લીકેજ ના કારણે બ્લાસ્ટ થયો હોવાનું હાલ પ્રાથમિક ધારણ સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.