જુદા-જુદા ત્રણ સ્થળે ત્રણ લોકોના બીમારી સબબ બેભાન હાલતમાં મોત
શહેરમાં જુદા જુદા ત્રણ સ્થળે ત્રણ લોકોના બિમારી સબબ બેભાન હાલતમાં મોત નિપજ્યા છે. ત્રણેય લોકોના મોતથી પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, નાનામવા મેઈન રોડ પર આવેલા નહેરૂનગરમાં રમેશભાઈ બીજલભાઈ વાલાણી (ઉ.45), કોઠારીયા રોડ પર આવેલ સંજયનગરમાં વિનુભાઈ ટપુભાઈ બારડ (ઉ.65) અને મોચીબજાર જુની લોધાવાડમાં જેસીંગભાઈ ભીખાભાઈ જરીયા (ઉ.58)નું બિમારી સબબ બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ ઉપરાંત અન્ય બનાવમાં પોપટપરા વિસ્તારમાં આવેલી મધ્યસ્થ જેલમાં કેદી સુનિલ વાલજીભાઈ પરમાર (ઉ.39)ને ચક્કર આવ્યા હતાં. જ્યારે અન્ય કેદી વિવેક બિરેનસિંગ ચૌહાણ (ઉ.39) બેરેકમાં હતો ત્યારે અકસ્માતે ગબડી પડયો હતો. બન્ને કેદીની તબિયત લથડતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
