રાજકોટમાં વધુ ત્રણ હાર્ટફેઈલ: પરિણીતા સહિત ત્રણના હૃદયરોગના હુમલાથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાએ હાહાકાર માવ્યો હોય તેમ દરરોજ હાર્ટએટેકથી માનવ જીંદગીઓ કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટમાં વધુ ત્રણ માનવ જીંદગીને હૃદયરોગનો હુમલો ભરખી ગયો હોવાની ઘટના પ્રકાસમાં આવી છે જેમાં કારખાનેદાર, મિત્રની ઓફિસે બેસવા ગયેલા યુવક અને પરોઢીએ પરિણીતા બેભાન હાલતમાં ઢળી પડયા બાદ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં કાલાવડ રોડ પર રાણી ટાવર પાસે આવેલા યોગી પાર્કમાં રહેતા વિનોદભાઈ રામજીભાઈ ભુત નામના 52 વર્ષના આધેડ બપોરના અરસામાં પોતાના ઘરે હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. આધેડને બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં આધેડની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી આધેડનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક વિનોદભાઈ ભૂત કારખાનેદાર હતાં અને તેમને અચાનક આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયોે હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં રાજકોટમાં યુનિવિર્સટી રોડ પર આવેલી શિવશક્તિ કોલોનીમાં રહેતા રાહુલ નાનજીભાઈ સોલંકી નામનો 32 વર્ષનો યુવાન ઈમ્પીરીયલ હાઈટસમાં તેના મિત્રની ઓફિસે બેઠો હતો ત્યારે તેને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડયો હતો. રાહુલ સોલંકીને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકને સારવાર મળે તે પૂર્વે જ યુવાને હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી. આ અંગે પ્રાથમિક પુછપરછમાં મૃતક રાહુલ સોલંકી એકની એક બહેનનો એકનો એક ભાઈ હતો અને મિત્રની ઓફિસે બેઠો હતો ત્યારે અચાનક પરેસેવો વળતાની સાથે જ છાતીમાં ઉપડેલો દુ:ખાવો જીવલેણ નીવડયો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય ત્રીજા બનાવમાં રૈયાધાર વિસ્તારમાં આવેલા પાણીના ટાંકા પાસે રહેતી જશીબેન ભુપતભાઈ બાવરીયા નામની 38 વર્ષની પરિણીતા પોતાાન ઘરે હતી ત્યારે વહેલી સવારના પાંચેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડી હતી. જશીબેન બાવરીયાને બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી જશીબેન બાવરીયાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક જશીબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.