રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ ત્રણ મોત, લગ્નમાં આવેલા વડોદરાના યુવાનનું હૃદય બેસી ગયું
રાજકોટ સહિત રાજ્યભરમાં શિયાળા શરૂઆતમાં જ હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવજીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટમાં વધુ ત્રણ લોકોના શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં વડોદરાથી શેઠને લઈને રાજકોટ લગ્ન પ્રસંગમાં આવેલા ડ્રાઈવર, મેટોડામાં આધેડ અને સદ્ભાવના વૃધ્ધાશ્રમમાં વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વડોદરામાં આવેલી એકતા સોસાયટીમાં રહેતાં અમિતભાઈ મનોહરભાઈ પવાર નામનો 42 વર્ષનો યુવાન રાજકોટમાં આવેલી સિઝન્સ હોટલની લોબીમાં હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન પોતાના શેઠ યોગેશ પુજારાને લઈને સિઝન્સ હોટલ ખાતે નરેન્દ્રભાઈ નથવાણીની દીકરીના લગ્ન પ્રસંગે આવ્યો હતો. તે દરમિયાન હૃદય બેસી ગયું હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં મેટોડા જીઆઈડીસી ગેઈટ નં.2માં સિકયોરિટી તરીકે ફરજ બજાવતાં રાજેન્દ્રપ્રસાદ બેરાચીપ્રસાદ (ઉ.54) બપોરના સમયે ફરજ પર હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. આધેડને બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક આધેડ મુળ ઉત્તર પ્રદેશનાં વતની હતાં અને છેલ્લા ત્રણ મહિનાથી મેટોડા ખાતે આવ્યા હતાં. તેમને સંતાનમાં બે પુત્ર છે.
ત્રીજા બનાવમાં રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલ સદ્ભાવના વૃધ્ધાશ્રમમાં આશ્રયે લઈ રહેલા પ્રવિણભાઈ ઈશ્ર્વરભાઈ મહેતા નામના 81 વર્ષના વૃધ્ધ બપોરના અઢી વાગ્યાના અરસામાં વૃધ્ધાશ્રમમાં હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે જ વૃધ્ધે હોસ્પિટલના બીછાને દમ તોડી દીધો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.