રેલવેના કર્મચારી સહિત વધુ ત્રણ નાગરિકોના હાર્ટ ફેઇલ
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ દિન પ્રતિદીન વધી રહ્યું છે. ત્યારે શહેરમાં રેલવે કર્મચારી સહિત વધુ ત્રણના હાર્ટ ફેઇલ થઇ ગયા હતા. રેલનગર, જંગલેશ્ર્વર અને લોધીકાના દેવગામમાં પ્રૌઢના હાર્ટ એટેકથી મોત નીપજતા ત્રણેય પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ રેલનગર શેરી.નં.1માં રહેતા અને રેલવેમા રિઝર્વેશન વિભાગમાં સીઆરએસ તરીકે નોકરી કરતા નંદનકિશોરભાઇ રતીલાલ ભટ્ટ (ઉ.વ.59)નામના પ્રૌઢ આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યુ હતુ. તબીબો દ્વારા હાર્ટ એટેકથી મોત થયાનું પ્રાથમિક અભીપ્રાય અપાયો હતો. આ અંગે પ્રનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. પ્રથામિક તપાસમાં મૃતક પાંચ ભાઇ ચાર બહેનમાં નાના અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં જંગેલશ્ર્વર મેઇન રોડ પર વેલનાથ ચોકમાં રહેતા શીવાભાઇ નાનજીભાઇ પરમાર (ઉ.વ.57)નામના પ્રૌઢ આજે સવારે પોતાના ઘરે બેભાન થઇ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે જોઇ તપાસી હાર્ટ એટેકથી મોત થયાનું જાહેર કર્યુ હતુ. મૃતક શીવાભાઇ અપરણીત હોવાનું અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે.
જયારે ત્રીજા બનાવમાં મોટા મવામાં ગરબી ચોકમાં રહેતા હીરાભાઇ માંડણભાઇ મેઘાણી (ઉ.વ.59) નામના પ્રૌઢ લોધીકાના દેવગામમાં આવેલી પોતાની વાડીએ હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું મોત નીપજ્યુ હતુ. પ્રૌઢને હાર્ટ એટેક આવી જતા પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે.