સાત રસ્તા સર્કલ નજીક બસને ઓવરટેક કરવાના પ્રશ્ને બે યુવાનો પર ત્રણ શખ્સોનો હુમલો
ઇજાગ્રસ્ત બન્ને યુવાનો હોસ્પિટલમાં સારવારમાં
જામનગર માં સાત રસ્તા સર્કલ પાસે ખાનગી બસને ઓવરટેક કરવાના પ્રશ્ને બસ ચાલક અને બાઇક સવાર બે યુવાનો વચ્ચે બોલાચાલી થયા પછી બસ ચાલક સહિત ત્રણ શખ્સોએ બંને યુવાનો પર હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીકથી ઢીંચડા માં રહેતો નીતિન કેશાભાઈ કોડીયાતર નામનો વિદ્યાર્થી યૂવાન પોતાના બાઈકમાં પોતાના મિત્ર મયુરભાઈ ને બેસાડીને સાત રસ્તા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન એક લક્ઝરી બસ નીકળતાં તેને ઓવરટેક કરી હોવાથી હોર્ન વગાડવાના મામલે બસ ચાલક અને બાઇક ચાલક વચ્ચે તકરાર થઈ હતી.
ત્યારબાદ જી.જે. 10 ટી.વાય. 0775 નંબરની બસનો ચાલક અને તેના બે સાગરીતોએ બાઈક ચાલક નીતિન અને તેના મિત્ર મયુર ને રોકીને હાથમાં પહેરેલા કડા અને લોખંડના પાઇપ વડે હુમલો કરી નાક અને કાનમાં ઈજા પહોંચાડી હતી. તેથી ઇજાગ્રસ્ત યુવાનને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. પોલીસે લક્ઝરી બસના ચાલક સહિત ત્રણ સામે ગુનો નોધ્યો છે.