થાન નગરપાલિકાના મહિલા સભ્યના પુત્ર ઉપર ત્રણ શખ્સોનો છરી લડે હુમલો
ઈજાગ્રસ્ત યુવકના ઘર પાસે રોડ બન્યા બાદ હુમલાખોરોએ ‘અમારા ઘર પાસે કેમ રોડ ન બનાવ્યો’ તેમ કહી તૂટી પડયા
થાનમાં આવેલા આંબેડકરનગરમાં રહેતાં થાન નગરપાલિકાના મહિલા સભ્યના ઘર પાસે રોડ બનાવવામાં આવ્યો હતો. જેથી પાછળની શેરીમાં રહેતાં ત્રણ શખ્સોએ ‘અમારા ઘર પાસે કેમ રોડ ન બનાવ્યો’ તેમ કહી નગરપાલિકાના મહિલા સભ્યના પુત્ર ઉપર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, થાનમાં આવેલા આંબેડકરનગર વિસ્તારમાં રહેતાં જયંતિભાઈ રામજીભાઈ ચાવડા નામનો 35 વર્ષનો યુવાન રાત્રીનાં દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે પાછળની શેરીમાં રહેતાં ઉદય, કેતન ઉર્ફે ભાણો અને દેવજી સહિતના અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા જયંતિ ચાવડાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત જયંતિ ચાવડાના માતા લીલાબેન ચાવડા થાન નગરપાલિકાના ભાજપના સભ્ય છે અને લીલાબેનના ઘર પાસે રોડ બનાવ્યો હતો. જેનો ખાર રાખી પાછળની શેરીમાં રહેતાં ત્રણેય હુમલાખોરે ‘અમારા ઘર પાસે કેમ રોડ ન બનાવ્યો’ તેમ કહી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.