ધ્રાંગધ્રા નજીક પૂલ પરથી કાર નીચે ખાબકતા એક જ પરિવારના ચારના મોત
મહિલાને હોસ્પિટલે લઇ જતા દાધોળિયા ગામના પરિવારને નહેલો અકસ્માત
ધ્રાંગધ્રા-સરા હાઇવે પર ગઈ રાત્રે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક કાર પુલ પરથી નીચે ખાબકતા ઘટનાસ્થળે જ ત્રણ લોકોના કરૂૂણ મોત નિપજ્યા હતા. જ્યારે કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં મહિલાનું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રિના સમયે પરિવારના સભ્યો એક મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન ધ્રાંગધ્રા-સરા હાઇવે પર કાર અચાનક પુલ પરથી નીચે ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
પુલ પરથી કાર નીચે પટકાતા ઘટના સ્થળે જ બે મહિલા અને એક પુરુષ મળી કુલ ત્રણ લોકોના મોત થયા હતા. મૃતકો નજીકના દાધોળીયા ગામના હોવાનું બહાર આવ્યું છે.
મૃતકોની ઓળખ બબુબેન છનાભાઇ જેજલીયા, ભાનુબેન રમેશભાઇ જેજરીયા, અને ચોપાભાઇ બીજલભાઇ તરીકે થઈ છે. સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદની કામગીરી શરૂૂ કરી હતી. ત્યારબાદ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.