ગૌતમનગરના નિવૃત્ત આર્મીમેન સહિત ત્રણના હાર્ટએટેકથી મોત
સેટેલાઇટ ચોક અને વેલનાથપરાના બે પ્રૌઢને હૃદય રોગનો હુમલો જીવલેણ નિવડ્યો
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં ગૌતમ નગરમાં રહેતા નિવૃત્ત આર્મીમેન સહિત વધુ 3 લોકોના હાર્ટએટેકથી મોત નિપજ્યા છે. મોરબી રોડ પર સેટેલાઇટ ચોક અને વેલનાથપરામાં રહેતા બે પ્રૌઢને હૃદયરોગનો હુમલો ભરખી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં નાણાવટી ચોક પાસે ગૌતમનગર શેરી નં.7માં રહેતા નિવૃત આર્મીમેન રાજેશભાઇ ગોવર્ધનભાઇ ચાવડા (ઉ.વ.59)નામના પ્રૌઢ આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી હાર્ટએટેક આવતા મરણ ગયાનું જાહેર કર્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક રાજેશભાઇ બે ભાઇમાં મોટા અને તેમને સંતાનમાં બે પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.
બીજા બનાવમાં મોરબી રોડ પર વેલનાથપરા શેરી નં.20માં રહેતા ભીખુભાઇ જાદવભાઇ (ઉ.વ.56)નામના પ્રૌઢ પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન હાલતમાં ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનુ જાહેર કર્યુ હતુ. પ્રાથમિક તપાસમાં મૃતક ચાર ભાઇમાં વચેટ અને ડ્રાઇવિંગ કામ કરતા હતા તેમને સંતાનમાં બે પુત્ર અને ચાર પુત્રી હોવાનુ જાણવા મળ્યું છે.
ત્રીજા બનાવમાં મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા દિપક કુમાર રવજીભાઇ વસોયા (ઉ.વ.57)નામના પ્રૌઢ આજે વહેલી સવારે પોતાના ઘરે હતા ત્યારે હાર્ટએટેક આવતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનુ મોત નિપજ્યુ હતું.