જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે લાલપુરમાં ત્રણ ઈંચ વરસાદ
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી ભારે વરસાદની સ્થિતિને અનુરૂૂપ જામનગર જિલ્લામાં આજે વ્યાપક વરસાદ નોંધાયો છે. જિલ્લાના તમામ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં હળવા છાંટાથી માંડીને નોંધપાત્ર વરસાદ થયો છે. ખાસ કરીને લાલપુર તાલુકામાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાવાની સાથે અન્ય તાલુકાઓમાં પણ સારો એવો વરસાદ થયો છે. જામનગર શહેરમાં રાત્રિ દરમિયાન પોણા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જોડિયા અને ધ્રોલ તાલુકાઓમાં એક-એક ઈંચ, કાલાવડ અને જામજોધપુર તાલુકાઓમાં સવા-સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વ્યાપક વરસાદ નોંધાયો છે. જામજોધપુર તાલુકાના જામવાડી અને સમાણામાં પોણા બે ઈંચ, શેઠવડાળા, વાંસજાળિયા, ધુનડા, ધ્રાફા અને પરડવામાં દોઢ ઈંચ આસપાસ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત લાલપુરના ભણગોર અને હરિપરમાં પણ દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં અડધાંથી એક ઈંચ જેટલો અથવા હળવા ઝાપટાંના રૂૂપમાં વરસાદ નોંધાયો છે. આ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છે અને જનજીવન પણ સામાન્ય રીતે ચાલુ છે.