કલા સંગાથે ત્રણ પેઢી સમાજને ચીંધે છે નવી રાહ
અમીબેન મણવર પોતાના સાસુ અને પુત્રવધૂ સાથે મળીને બનાવે છે એક થી એક ચડિયાતી હેન્ડમેડ કસ્ટમાઇઝ વસ્તુઓ
દીકરાના લગ્ન વખતે ઘરની સજાવટ,ભેટની અને લગ્નની વસ્તુઓ તેમજ કંકોત્રી સાથે ભેટમાં આપવા 225 જેટલી ચૂંદડી અમીબેન મણવરે પોતાના સાસુની મદદથી જાતે બનાવી
રાજકોટમાં થોડા દિવસ પહેલાં એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હેન્ડ વર્કની કુર્તીથી લઈને ઘર સજાવટની વસ્તુ જેવી કે મોતીના તોરણ, લાભ, શુભ, સાથિયા ઉપરાંત રંગોળી સહિત અવનવી વસ્તુઓ ઉપલબ્ધ હતી. આ એક્ઝિબિશનની એક ખાસ વાત એ હતી કે દરેક વસ્તુ હેન્ડમેડ હતી અને આ બધી વસ્તુઓ ત્રણ પેઢીએ એટલે કે પુત્રવધૂ, સાસુ અને તેના સાસુ એમ ત્રણેએ સાથે મળીને આ બધી વસ્તુ બનાવી હતી.હાલના સંજોગોમાં નવી પેઢી અને જૂની પેઢી બંનેને એકબીજા પ્રત્યે ફરિયાદો,અસંતોષ અને અભાવ જોવા મળે છે ત્યારે અહીં ત્રણેય પેઢીએ સાથે મળીને કંઈક નવું અને ઉપયોગી કરવાનો પ્રયત્ન કર્યો છે. આ વાત છે મોરબીના અમીબેન અમિષભાઈ મણવરની.
મોરબીના સાધન સંપન્ન પરિવારના આ ત્રણે મહિલાઓ આર્થિક જરૂૂરિયાત ન હોવા છતાં સમય પસાર કરવા અને પોતાનામાં રહેલી કલા લોકો સુધી પહોંચાડવા આ પ્રવૃત્તિ કરી સમાજને પ્રેરણા આપે છે.આજના સમયમાં લગ્ન પહેલાં જ માતા-પિતા વડીલની જવાબદારી લેવામાં યુવાઓ ઉદાસીન છે ત્યારે સાસુ,વહુ,અને મોટા સાસુ ત્રણે મળીને સમાજને નવો રાહ ચીંધે છે.પ્રથમ વખત મોરબીમાં અને બીજું એક્ઝિબિશન રાજકોટમાં કર્યું ત્યારે લોકોનો ખૂબ સરસ પ્રતિભાવ મળ્યો.લોકો જુદી-જુદી વસ્તુના તેમજ કસ્ટમાઇઝ ચીજવસ્તુના ઓર્ડર આપવા લાગ્યા ત્યારે આ બધી કલાત્મક વસ્તુ બનાવવાનો આત્મવિશ્વાસ વધ્યો.અહીં સુધી પહોંચવાનો બધો શ્રેય અમીબેન પોતાના માતા સમાન સાસુ ભાનુબેનને આપે છે.
અમીબેન મૂળ ભાયાવદરના. માતા મંગળાબેન અને પિતા જીવનભાઈ ભાલોડિયાએ ત્રણ દીકરી અને એક દીકરો એમ ચારેય સંતાનોમાં સંસ્કારનું સિંચન કર્યું.કોલેજના અભ્યાસ દરમિયાન દીકરી અમી માટે યોગ્ય પાત્ર મળતાં મોરબીના મણવર પરિવારના પુત્ર અમિષ સાથે સગપણ નક્કી કર્યું.જે પરિવારમાં સંબંધ નક્કી થયો તે પરિવારને પણ જાણે વહુ નહીં પણ દીકરી ઘરમાં આવી એવો ઉમળકો હતો. અમીબેનના સસરા જેન્તીભાઈએ દીકરીનો અધુરો અભ્યાસ લગ્ન પછી પૂરો કરવાનું સૂચવ્યું પરંતુ વિધાતાના લેખની કોઈને ક્યાં ખબર પડે છે? લગ્નના જે શુભ ચોઘડિયે મોટા દીકરાના ફેરા ફર્યા એ જ સમયે એટલે કે જાનમાંથી પરત ફરતી વખતે નાના દીકરાનું અકસ્માતમાં મૃત્યુ થયુ. ખુશીની ક્ષણો દુ:ખમાં પલટાઈ ગઈ, જે આંગણે લગ્નના તોરણ બાંધ્યા હતા,શરણાઈ અને ઢોલ ઢબુક્યા હતા એ જ આંગણામાંથી લાડકવાયા નાના દીકરાની વિદાય થાય એ દુ:ખની કલ્પના પણ કોઈ ન કરી શકે. પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું.
આ કઠિન સમયમાં સાસુ ભાનુબેને હિંમત દાખવી. દીકરાની વિદાય સાથે ઘરમાં પુત્રવધૂના પગલાં પડ્યા છે તેની ખુશી કેમ વીસરાય? આવનાર પણ કોઈની દીકરી છે અને તેના પણ સપના છે તેમ જાણી ઘરના દરેકને દિલાસો આપ્યો અને દીકરાની જગ્યા આ દીકરીએ લીધી છે એમ માની ફરી જીવનને પાટે ચડાવવાનો પ્રયાસ કર્યો.પોતાની દરેક આવડતનું મુખ્ય શ્રેય માતા સમાન સાસુ ભાનુબેનને આપતા અમીબેને જણાવ્યું કે દીકરો ગુમાવવાનું દુ:ખ હૃદયમાં એક ખૂણે ભંડારીને અન્ય લોકો માટે તેઓ જીવવા લાગ્યા. પુત્રવધૂમાં જ દીકરાની છબી જોઈ તેના સપના પૂરા કરવા લાગ્યા. મારી ઉંમર પણ નાની હોવાથી દરેક વસ્તુ માની જેમ શીખવતા. ભરત ગૂંથણ હોય, રસોઈ કળા હોય,બાળકોનો ઉછેર હોય કે પછી કોઈ વ્યવહારની શીખ હોય દરેક વખતે સાસુએ પ્રેમપૂર્વક આંગળી ઝાલીને ચાલતા શીખવ્યું છે.
તેઓ ઠાકોરજીના વસ્ત્ર,શૃંગાર બધું જાતે કરતા.તેમણે જ મને બાવળિયા, આભલાથી લઈને બધું શીખવ્યું છે. કામમાંથી ફ્રી થઈને આ બધું બનાવવા બેસી જતાં.બંને દીકરા સન્ની અને શ્રેયના સંસ્કાર અને કેળવણીમાં પણ તેમનો જ ફાળો છે. મા દીકરીનો સ્નેહ પણ ઓછો પડે એવો સ્નેહ અમારી બંને વચ્ચે છે.દીકરાઓ મોટા થવા લાગ્યા પરણાવવાલાયક થયા ત્યારે બંને સાસુ વહુને મૂંઝવણ થઈ કે નવી વહુ આવશે તો તેને આપણી પ્રવૃત્તિ ગમશે ખરા? પરંતુ મોટા દીકરા સન્નીની પત્ની દીક્ષા બંનેના ડરને ખોટો ઠેરવતાં વધુ ઉત્સાહ અને આત્મીયતાપૂર્વક તેઓની પ્રવૃત્તિમાં જોડાઈ ગઈ.
દીકરાના લગ્ન વખતે બંને સાસુ વહુ એ સમગ્ર ઘરને ખૂબ સરસ રીતે જાતે જ સજાવ્યું હતું.લગ્નમાં ઉપયોગમાં લેવાતી બધી વસ્તુઓ જાતે બનાવી અને કંકોત્રીની સાથે ભેટમાં આપવા 225 જેટલી ચૂંદડી જાતે બનાવી હતી. આ બધું જોઈને સગા સ્નેહીઓએ ખૂબ જ પ્રશંસા સાથે પ્રોત્સાહન આપ્યું કે શા માટે તમારી કલાને દુનિયા સુધી ના લઈ જવી? અને આમ આ યાત્રા શરૂૂ થઈ. હવે તો બેની જગ્યાએ ત્રણ વ્યક્તિ હતા એટલે ઉત્સાહ પણ ત્રણ ગણો થયો.આજના સમયમાં લગ્ન પહેલા જ વિભક્ત કુટુંબની માગણી થાય છે ત્યારે વડીલ સાસુ અને યુવા પુત્રવધૂ વચ્ચે બેલેન્સ કરી સંસ્કાર સાથે સેવા,સમર્પણ અને સ્વીકારના પાઠ શીખવે છે અમીબેન મણવર. પરિવાર તો સાધન સંપન્ન છે જ એટલે આર્થિક પરિસ્થિતિનો પ્રશ્ન ન હોવાથી તેઓ વ્યાજબી ભાવ સાથે કસ્ટમાઈઝ વસ્તુ બનાવી આપે છે.લોકોના ખૂબ ઓર્ડર આવે છે કે ત્રણમાંથી કોઈને સમય મળતો નથી. અમીબેનના ભવિષ્યના કોઈ મોટા સપનાઓ નથી પણ એક જ ઈચ્છા છે કે સાસુ ભાનુબેને પતિ અને દીકરાની વિદાય છતાં સર્વસ્વ આપી અમને સાચવ્યા છે,ખુશ રાખ્યા છે એ જ રીતે એમની છત્રછાયામાં અમારો પરિવાર પ્રેમથી રહે અને એમને ખુશ રાખી શકીએ. અમીબેન અને પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
સાથે મળીને કામ કરવાથી વધે છે આત્મીયતા
ઘર કામ કરવા સાથે પરિવારની જવાબદારી પણ ચીવટપૂર્વક નિભાવતા અમીબેને પોતાની પ્રવૃત્તિ બાબત જણાવ્યું કે અમે ત્રણે ઘર કામમાંથી ફ્રી થઈને હેન્ડીક્રાફટ, હેન્ડવર્ક કરવા લાગી જઈએ છીએ ત્યારે કામ કરવા સાથે એકબીજાની કંપની મળે છે, એકબીજા સાથે સમય પસાર કરવા મળે છે અને પરિણામ સ્વરૂૂપ બધા વચ્ચે આત્મીયતા પણ વધે છે.ઘર કામ પૂરુ કર્યા પછી બધા પોતપોતાના રૂૂમમાં જવાના બદલે સાથે મળીને આ બધું કરીએ છીએ જેથી સંપ પણ જળવાઇ રહે છે અને જાતે બનાવવાનો જે સંતોષ અને આનંદ મળે છે તે અવર્ણનીય હોય છે.
ઘરમાં વડીલોને માન આપો
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે અત્યારે બહેનો શોપિંગમાં ઘણી મોટી રકમ વાપરી નાખે છે જો થોડી સૂઝ બૂઝથી એ જ વસ્તુઓ ઘરમાં બનાવે તો પોતાની ક્રિએટિવિટી વિકસે છે સમયનો ઉપયોગ થાય છે તેમજ વધારાના પૈસામાંથી બીજાને મદદરૂૂપ પણ થઈ શકે છે.બીજું ઘરમાં વડીલોને માન, સન્માન આપો તેઓ ખુશ હશે તો ઘરમાં હંમેશા સુખ-શાંતિ અને સમૃદ્ધિ રહેશે તેમના આશીર્વાદથી જ તમારી અને પરિવારની પ્રગતિ થશે.સંતાનો પણ જે જોશે તે શીખશે.