ત્રણ મિત્રોએ વીડિયો બનાવી કરેલો સામૂહિક આપઘાત
તળાવમાં પડતું મુકી સાથે જીવ ટૂંકાવી લેતાં ચકચાર: કલોલના નારદીપુર ગામની ઘટના
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામે ગતરાત્રે ત્રણ યુવાનોએ વીડિયો બનાવી ઈન્સ્ટાગ્રામ ઉપર મુકયા બાદ તળાવમાં પડતુ મુકી સામુહિક આપઘાત કરી લેતાં ભારે ચકચાર જાગી છે. આ ત્રણ મિત્રોના આપઘાત પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી પરંતુ ત્રણ પૈકી એકના હાથમાં મોબાઈલ હતો, એ યુવક બોલી રહ્યો હતો કે ‘આઈ લવ યુ, હુ મરી જાઉં છું, તારૂ નામ નહીં આવે’
નારદીપુર ગામના યુવક યશ જીતેન્દ્રકુમાર શ્રીમાળીએ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસે નોંધેલી પ્રાથમિક વિગતો અનુસાર આ યુવકોએ 27 સપ્ટેમ્બરના રોજ સાંજે 7 વાગ્યે નારદીપુર-માણસા રોડ પર ભમ્મરીયા વડ પાસેના તળાવમાં આપઘાત કર્યો હતો. મૃતક ત્રણેય યુવાનો નારદીપુર ગામના જ વતની છે અને તેના નામ ધૈર્ય જીતેન્દ્રકુમાર શ્રીમાળી - ઉંમર 21, અશોક નરસિંહભાઈ વાઘેલા - ઉંમર 39, કૌશિક કનુભાઈ મહેરિયા - ઉંમર 23 હોવાનું જાણવા મળ્યું છે.
આ ત્રણેય યુવકોએ તળાવમાં પડીને આપઘાત કરતા પહેલા એક વિડીયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. વિડીયોમાં જે યુવકના હાથમાં ફોન હતો તે નશામાં હોય એવું દેખાઈ રહ્યું છે. આ યુવક બોલી રહ્યો હતો.
આઈ લવ યુ, હું મરી જાઉં છું, તારું નામ નહીં આવે. હું મારી રીતે મરું છું. આ તળાવમાં હું પડું છું. અમે ત્રણેય ભાઈઓ છીએ જો.હું અશોક અને કૌશિક મહેરિયા. અમારો છેલ્લો વિડીયો જોઈ લો. હવે ત્રણેયને મરવાનું છે. તમે એમ ન સમજતા કે અમે આત્મહત્યા કરી બરાબર.
જીગર વિડીયો પરથી બનાવની જાણ યુવાનોના પરિવારજનોને થતા પરિવારજનો તળાવ પાસે દોડી ગયા હતા અને તરવૈયાઓને બોલાવીને મૃતકો મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવની જાણ તાલુકા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બનાવ અંગે જરૂૂરી નોંધ કરી તપાસ ચલાવી છે. મરણ જનાર ત્રણ યુવકોના મોતથી ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.